લાહોર : તા.૧૪ : યુએઇની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પાકિસ્તાનના પૂર્વ સૈન્ય વડા જનરલ પરવેઝ મુશર્રફની તબિયત વધુ લથડતા તેમને પાક સેનાની એર એમ્બ્યુલન્સમાં પાકિસ્તાન પરત લાવવામાં આવે તેવી શક્યતા છે કારણકે પાકિસ્તાનની સેના પોતાના પૂર્વ પ્રમુખની પડખે ઉભી છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.૧૯૯૯ થી ૨૦૦૮ સુધી પાકિસ્તાન પર શાસન કરનારા ૭૮ વર્ષીય જનરલ પરવેઝ મુશર્રફ પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને બંધારણ સ્થગિત કરવા બદલ ૨૦૧૯માં તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.જો કે ત્યારબાદ તેમની મોતની સજાને સ્થગિત કરી દેવામાં આવી હતી.
મીડિયાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની સેનાએ મુશર્રફના પરિવારને એર એમ્બ્યુલન્સની સુવિધાની ઓફર કરી છે.સેનાએ તેમના પરિવારને ફોન કરી તેમને શક્ય મદદ કરવાની ઓફર કરી છે.તેમની સારવાર અને તેમને પરત લાવવામાં મદદ કરવાની ઓફર કરવામાં આવી છે.આ દરમિયાન મુશર્રફના પરિવારજનોએ પણ જણાવ્યું છે કે તેમની તબિયત વધારે ગંભીર છે અને તેમની રિકવરી શક્ય નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર આ શક્યતાને પગલે મુશર્રફને પાકિસ્તાન પરત લાવવામાં આવે તેવી સંભાવના છે.ે ૭૮ વર્ષીય છેલ્લા ત્રણ સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે.ઉલ્લેખનીય છે કે માર્ચ.૨૦૧૬માં સારવાર અર્થે મુશર્રફે પાકિસ્તાન છોડી દીધું હતું અને તેઓ દુબઇ ગયા હતાં.ત્યારથી તેઓ પાકિસ્તાન પરત ફર્યા નથી.


