અમૃતસર : પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૂસેવાલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જેનાથી સૌ કોઇ ચોંકી ગયા છે.આ રિપોર્ટ અનુસાર મૂસેવાલાને એક કે બે નહીં પણ ૨૪ ગોળીઓ મારવામાં આવી હતી.જ્યારે એક ગોળી તેના માથામાં જઇને ફસાઇ ગઇ હતી.હુમલાખોરોએ આશરે ૩૦ રાઉંડ ફાયર કર્યા હતા.મનાસા જિલ્લા હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મૂસેવાલાના શરીર પર બે ડઝન ગોળીઓના જખમ મળ્યા છે.વધુ લોહી વહી જવાથી તેનું મોત નિપજ્યું હતું.જ્યારે પરિવારે માગણી કરી છે કે આ હત્યાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવામાં આવે સાથે તેમાં એનઆઇએની પણ મદદ લેવામાં આવે.
ખતરાની આશંકા હતી તો પછી સુરક્ષા કેમ હટાવવામાં આવી તેવો સવાલ પણ પંજાબની આપ સરકારને પરિવારે કર્યો છે.જ્યારે પોલીસનું કહેવુ છે કે શંકાસ્પદોની ઓળખ કરી લેવામાં આવી છે.દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા તિહાર જેલમાં બંધ લોરેંસ બિશ્નોઇને રિમાંડ પર લેવામાં આવ્યો છે.સ્પેશિયલ સેલ બિશ્નોઇને લઇને મૂસેવાલા હત્યાકાંડની પૂછપરછ કરશે.લોરેંસને સ્પેશિયલ સેલ દ્વારા પાંચ દિવસની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.એવા આરોપ છે કે મૂસેવાલાની હત્યાનું કાવતરું ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડ દ્વારા રચવામાં આવ્યું હતું.જ્યારે ડરને કારણે લોરેંસ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરાઇ છે જેમાં એન્કાઉન્ટર કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો.બીજી તરફ પંજાબમાં મૂસેવાલાની હત્યા બાદ માતમનો માહોલ છે.મંગળવારે બપોર પછી મૂસેવાલાને તેના માનસા જિલ્લામાં સ્થિત ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી.તેની અંતિમ યાત્રા તેના પ્રિય ટ્રેક્ટરમાં કાઢવામાં આવી હતી,જેમાં હજારો લોકો જોડાયા હતા.પંજાબ ઉપરાંત રાજસ્થાન,ચંડીગઢથી પણ અનેક તેમના ચાહકો સમર્થકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા.ટ્રેક્ટર પર તેના માતા પિતા મૂસેવાલાના મૃતદેહ સાથે જોવા મળ્યા હતા.