મેક્સિકો,તા.11 જૂલાઈ 2023,મંગળવાર : મેકિસકોના તોલુકા નામના શહેરના બજારમાં બંદુકધારીઓએ આતંક મચાવીને નવ લોકોને જીવતા સળગાવી દીધા હોવાની હાહાકારી ઘટના બની છે.પોલીસના કહેવા પ્રમાણે બંદુકધારી વ્યક્તિઓ માર્કેટમાં પહોંચ્યા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.એ પછી તેમણે બજારમાં અમુક હિસ્સામાં જવલનશિલ પ્રવાહીનો છંટકાવ કરીને આગ લગાવી દીધી હતી અને ભાગી છુટ્યા હતા.આ આગમાં નવ લોકોના મોત થયા છે.
પોલીસના કહેવા પ્રમાણે હુમલા સમયે સુરક્ષા કર્મી ફરજ પર હાજર કેમ નહોતા તે વાતની તપાસ કરવામાં આવી રહી છે.જોકે આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈએ લીધી નથી.મેક્સિકોમાં ખંડણી ઉઘરાવતી ઘણી ગેંગો સક્રિય છે અને જો કોઈ વેપારી પૈસા આપવામાં આનાકાની કરે તો ગેંગસ્ટરો બજારમાં આગ લગાવી દેતા હોય છે.ખંડણી ઉઘરાતવી કોઈ ગેંગ આની પાછળ જવાબદાર હોવાની અટકળો થઈ રહી છે.