અમદાવાદ : પૂર્વ અમદાવાદમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ પડેલા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.તમામ રોડ પર કેડસમા પાણી ભરાઇ જતા હજારો વાહનચાલકો અટવાઇ પડયા હતા.નેશનલ હાઇવે,મોડલ રોડ,૧૩૨ ફૂટનો રિંગરોડ પાણીમાં ડૂબતા મોડી સાંજ સુધી ચક્કાજામ સર્જાયો હતો.અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘુસી જતા લોકોની હાલાકી વધી હતી.નરોડાથી નારોલ સુધીનો આખો પટ્ટો જળમગ્ન બન્યો હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા.સ્માર્ટસિટીની અવદશાએ મ્યુનિ.તંત્રની તમામ મોરચે નિષ્ફળતાઓ છતી કરી દીધી છે.
શુક્રવારે બપોરે ૧ વાગ્યાથી લઇને ૩ વાગ્યા સુધીના ત્રણ કલાક મેઘરાજાએ રીતસરનું અમદાવાદને ધમરોળ્યું હતું.બારેમેગ ખાંગા થયા હોય તેમ શહેરભરમાં જુદાજુદા વિસ્તારોમાં ૪ ઇંચથી માંડીને ૯ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો.સારંગપુરથી ઓઢવના મુખ્ય રોડ પર અજિતમીલ,સોનીની ચાલી,ઓઢવ ફાયરબ્રિગેડ,છોટાલાલની ચાલી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.મ્યુનિ.બસો પણ ખોટકાઇ હતી.નેશનલ હાઇવે ૮ ઉપર સોનીની ચાલીથી કૃષ્ણનગર સુધીનો આખો રોડ પાણીમાં ડુબી ગયો હતો.બંને તરફના સર્વિસ રોડ પર પાણી ભરાઇ જતા તમામ વાહનો બીઆરટીએસ રૂટ પર આવી જતા ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટુ વ્હિલર પાણીમાં તણાયા હતા.ઓઢવ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પણ પાણી ભરાઇ ગયા હતા.