અમદાવાદ : મેડિકલ,ડેન્ટલ અને પેરામેડિકલ કોલેજોમાં સરકારની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દર ત્રણ વર્ષે નવી ફી માળખુ નક્કી કરવામા આવે છે ત્યારે કોરોનાને લીધે મેડિકલ-પેરામેડિકલ કોલેજોની નવી ફી બે વર્ષથી નક્કી થઈ શકી નથી. આ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ હાલ નવી ફી નક્કી ન હોવાથી હેરાન થઈ રહ્યા છે.ખાસ કરીને નર્સિંગમાં તો અગાઉની જુની ફી પણ નક્કી નથી કારણકે ૧૦૦ જેટલી નવી કોલેજો છે અને કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી ફી માંગી રહી છે પરંતુ વિદ્યાર્થીઓને ખબર જ નથી કે કેટલી ફી ભરવાની છે.
મેડિકલ-પેરામેડિકલના વિવિધ કોર્સની ખાનગી કોલેજોની છેલ્લે ૨૦૨૭માં નવી ફી નક્કી કરવામા આવી હતી. ૨૦૧૭-૧૮,૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦નું ત્રણ વર્ષની ફી માળખુ નક્કી કરાયુ બાદ ૨૦૨૧-૨૨થી ત્રણ વર્ષ માટે નવી ફી નક્કી કરવામા આવનાર હતી.ગત વર્ષે જ નવી ફી નક્કી કરી દેવી પડે તેમ હતી પરંતુ એક વર્ષ બાદ પણ હજુ સુધી મેડિકલ-પેરામેડિકલ કોલેજોની નવી ફી નક્કી થઈ શકી નથી. હાલ યુજી-પીજી મેડિકલ અને પેરામેડિકલના તમામ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ૨૦૨૧-૨૨ના વર્ષના વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધા બાદ ફીને લઈને મોટી મુંઝવણ ઉભી થઈ છે.મેડિકલમાં જીએમઈઆરએસની કોલેજોની ફી ગત જુલાઈમાં નક્કી કરી દેવાઈ હતી પરંતુ અન્ય ૧૫થી વધુ ખાનગી કોલેજોની નવી ફી પ્રવેશ સમયે નક્કી ન હોવાથી ફી કમિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બાયંધરી લેવાઈ હતી.જે મુજબ વિદ્યાર્થીઓ પાસેથી જુની ફી લેવાઈ છે પરંતુ ફી વધતા વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે. મેડિકલ,ડેટન્લ,આયુર્વેદ-હોમિયોપેથીમાં યુજી-પીજી બંનેમાં ખાનગી કોલેજોની નવી ફી નક્કી કરવાની બાકી છે.પેરામેડિકલમાં નર્સિંગ, ફીઝિયોથેરાપી સહિતના કોર્સની ખાનગી કોલેજોની ફી પણ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી નથી કરાઈ.નર્સિંગમાં તો ૧૮૫ કોલેજોની ફી કેટલી છે અને વિદ્યાર્થીઓએ કેટલી ભરવાની તે પ્રવેશ સમિતિ દ્વારા વેબસાઈટ પર પણ જાહેર કરાઈ નથી.હાલ કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી ફી માંગી રહી છે અને વિદ્યાર્થીઓ ભરી શકે તેમ નથી.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મેડિકલ ફી કમિટીની મીટિંગ પણ નથી અને હજુ ક્યારે મળશે અને ત્રણ વર્ષનું નવુ ફી માળખુ ક્યારે નક્કી કરાશે તે પણ સ્પષ્ટ નથી.નવી ફી નક્કી ન થવાથી એસસી-એસટીના વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.ફી જ નક્કી ન હોવાથી એસસી-એસટીની સ્કોલરશિપ પણ મળે તેમ નથી.આ બાબતે સમાજ કલ્યાણના અનુસૂચિત જનજાતિ વિભાગ દ્વારા પણ ફી કમિટીને ફી નક્કી કરવા માટે રજૂઆત કરાઈ છે.