મેડ્રિડ, તા.૮ : સ્પેનના ૧૯ વર્ષના અલકારાઝે જર્મનીના ઝ્વેરેવને સીધા સેટોમાં ૬-૩ ,૬-૧થી હરાવીને મેડ્રિડ ઓપન જીતી લીધી હતી.અલકારાઝે આ સાથે સતત ત્રીજી મેચમાં ટોપ-૧૦માં સ્થાન ધરાવતા ખેલાડીને હરાવ્યો હતો.આ સિઝનમાં તેણે બીજું માસ્ટર્સ ૧૦૦૦ સિરિઝ ટાઈટલ જીત્યું હતુ.તે અગાઉ માયામી ઓપન જીતી ચૂક્યો છે.૧૯મો જન્મદિવસ ઉજવ્યાના એક દિવસ બાદ અલકારાઝે તેના આદર્શ અને ક્લે કોર્ટ કિંગ એવા નડાલને ક્વાર્ટર ફાઈનલમાં હરાવ્યો હતો. જે પછી તેણે સેમિ ફાઈનલમાં યોકોવિચને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.જ્યાં પણ તેને સફળતા મળી હતી.અલકારાઝે ઝ્વેરેવ સામે ત્રીજી મેચમાં પહેલી જીત હાંસલ કરી હતી.
અગાઉ જર્મનીના યુવા ટેનિસ સ્ટાર ઝ્વેરેવે ત્રણ સેટના મુકાબલામાં ૬-૪, ૩-૬, ૬-૨થી ગ્રીસના સિત્સિપાસ સામે વિજય મેળવતા મેડ્રિડ ઓપનની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ઝ્વેરેવે સિત્સિપાસ સામે ક્લે કોર્ટ પર સૌપ્રથમ વિજય મેળવ્યો હતો.અગાઉ બંને વચ્ચે રમાયેલી ત્રણ મેચમાં સિત્સિપાસે વિજય મેળવ્યો હતો, પણ ઝ્વેરેવે શાનદાર દેખાવ સાથે તેની પ્રભુત્વસભર આગેકૂચને અટકાવી હતી.