અમદાવાદ,તા.08 મે 2022, રવિવાર : ઉત્તર ઝોનમાં મેમ્કો રેલવે ઓવરબ્રિજની બાજુમાં ઓમકાર ફેક્ટરીની પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.રહીશોના મતે છેલ્લા અઠવાડિયાથી પાણીની લાઇનમાંથી પાણી લીકેજ થઇ રહ્યું છે.મ્યુનિ.તંત્રને જાણ કરવા છતાંય કોઇ મરામત માટે આવ્યું નથી.પૂર્વ અમદાવાદમાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે.તેવામાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનોમાં થતા ભંગાણ અને વેડફાતું હજારો લીટર શુદ્ધ પાણી ચિંતાનો વિષય બન્યો છે.મ્યુનિ.તંત્ર દ્વારા જુની પાણીની લાઇનો કે જે ખવાઇ ગઇ છે તેને બદલવાની તસ્દી લેવાતી નથી.મોટાભાગના વિસ્તારમાં ગ્રામપંચાયત સમયની પાણીની લાઇનો છે.જે નાની હોવાની સાથે જુની થઇ ગઇ હોવાથી હયાત પાણીના પ્રેસરને સહન કરી શકતી ન હોવાથી ફુલ ફોર્સમાં આવતા પાણીના કારણે લાઇનો તૂટી રહી છે.પાણીની લાઇનો તૂટતા માટી અને ગટર લાઇનાનું પાણી પણ તેમાં ભળતા આજુબાજુના વિસ્તારોમાં દુષિત પાણી આવવાની સમસ્યા સર્જાય છે.આ સ્થિતિ વચ્ચે લોકોને શુદ્ધ પાણી ન મળતા તેઓએ દુષિત પાણી પીવું પડે છે અને આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાય છે.અમરાઇવાડી, ખોખરા, ઓઢવ, નિકોલ સહિતના વિસ્તારોમાં છાસવારે પાણીની લાઇનો લીકેજ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.મ્યુનિ.તંત્રે લીકેજની સમસ્યા ઘટાડવા તરફ ધ્યાન આપવું જોઇએ.