નવી દિલ્હી : ટી20 ક્રિકેટમાં તાજેતરમાં કંગાળ દેખાવને કારણે રોહિત શર્મા,કેએલ રાહુલ અને વિરાટ કોહલીની આકરી ટીકા થઈ રહી છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે આ ત્રણેય સ્ટાર ક્રિકેટરની ક્ષમતા પર ભરોસો વ્યક્ત કરીને જણાવ્યું હતું કે અમે આ ત્રણેય ક્રિકેટરની ગુણવત્તાથી સભાન છીએ અને મને આશા છે કે તેઓ આગામી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ સારો દેખાવ કરશે.છેલ્લા ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા,રાહુલ અને વિરાટ કોહલી પ્રારંભિક ઓવર્સમાં ખાસ સફળ થઈ શક્યા ન હતા અને તેમની રમતની ટીકા થતી રહેતી હતી પરંતુ કોચ રાહુલ દ્રવિડે મંગળવારે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આ મોખરાના ત્રણ બેટ્સમેનના ક્રમમાં તે કોઈ પ્રકારના ફેરફાર કરવાના મૂડમાં નથી.રોહિત શર્મા હાલમાં ભારતીય ટીમનો નિયમિત સુકાની છે અને મોખરાનો બેટસમેન છે પરંતુ તેને સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં આરામ આપ્યો હોવા છતાં રાહુલ દ્રવિડ રોહિતને લઈને કોઈ ફેરફાર કરવાનો નથી.તેણે જણાવ્યું હતું કે અમારા ત્રણ મોખરાના ખેલાડીઓની ગુણવત્તા અને ક્ષમતાથી અમે સભાન છીએ.આ વખતે જોકે ત્રણ અન્ય ટોપ બેટ્સમેન સાઉથ આફ્રિકા સામે રમવાના છે પરંતુ અમે સકારાત્મક પ્રારંભ માટે આતુર છીએ.આ ખેલાડીઓ પરિસ્થિતિને અનુરૂપ બેટિંગ કરશે.પ્રવાસી સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝનો પ્રારંભ નવમી જૂનથી થઈ રહ્યો છે ત્યારે રાહુલ દ્રવિડે મંગળવારે અહીંના અરૂણ જેટલી
સ્ટેડિયમ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી.તેણે જણાવ્યું હતું કે ટી20 હાઇ સ્કોરિંગ રમત છે અને તેમાં તમારા બેટ્સમેન સ્ટ્રાઇક રેટ જાળવી રાખે તેવી અપેક્ષા રખાતી હોય છે.ઉલ્લેખનીય છે કે લોકેશ રાહુલ અને વિરાટ કોહલી સ્ટ્રાઇક રેટ જાળવવામાં નિષ્ફળ રહ્યા હતા જેને કારણે તેમની ટીકા થઈ હતી.જોકે રાહુલ દ્રવિડે કોઈ ખેલાડીના નામ આપ્યા વિના માત્ર સ્ટ્રાઇક રેટ જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.દ્રવિડનું માનવું છે કે દરેક બેટ્સમેનની ભૂમિકા અંગે સ્પષ્ટતા હોવી અગત્યની છે પરંતુ આ ભૂમિકા આઇપીએલની તેમની ફ્રેન્ચાઇઝી મૂજબ અલગ અલગ હોઈ શકે.સામાન્ય રીતે ટી20માં સકારાત્મક વલણની અપેક્ષા રાખવામાં આવે છે.હા,કદાચ તેમની ભૂમિકા ટીમની જરૂરિયાત મુજબ અલગ હોઈ શકે તેમ દ્રવિડે ઉમેર્યું હતુ

