વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના નેતાઓની મેરેથોન બેઠક તેમના સત્તાવાર નિવાસસ્થાન પર કેટલાક કલાકો સુધી ચાલી હતી.જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી.
બેઠકમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હોવાની સંભાવના
પીએમના નિવાસસ્થાને ભાજપના મુખ્ય નેતાઓની આ બેઠકમાં આગામી ચૂંટણીઓ અને યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા છે.આ મહત્વપૂર્ણ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ,ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા,સંગઠન મંત્રી બીએલ સંતોષ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.આ ઉપરાંત અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ મહત્વની બેઠકમાં સરકાર અને સંગઠનમાં ફેરફારથી માંડીને વિવિધ રાજકીય વિષયો પર ચર્ચા થઈ હોવાની સંભાવના છે.ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી, જે આશરે 12 વાગ્યા સુધી બેઠક ચાલી હતી.
કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત ફેરફાર
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ બેઠક બાદ ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર કરવામાં આવી શકે છે.આ સાથે ઘણા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક,ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમમાં ફેરફાર,પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ઘણા રાજ્યોના પ્રભારીઓની નિમણૂક જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
PMએ ભોપાલમાં UCC પર વાત કરી હતી
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલ મુલાકાત દરમિયાન તેમના સંબોધનમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી હતી અને કહ્યું હતું કે જેઓ વોટબેંકના ભૂખ્યા છે તેઓ મુસ્લિમોને ભડકાવી રહ્યા છે.પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટને ટાંકીને કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલત યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગે છે,પરંતુ કેટલાક કાવતરાખોરો તેને લઈને ખોટું વાતાવરણ બનાવી રહ્યા છે.