સુરત મોટા વરાછામાં કોઇપણ પ્રકારના ટેસ્ટ વિના કાગળ ઉપર જ રેપિડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ અપાતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.આ ઘટના બાદ પાલિકાના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડતા થઇ ગયા હતા.તપાસ દરમિયાન ધન્વંતરી રથમાં કામ કરતા સ્ટાફ દ્વારા આ પ્રકારની ગંભીર બેદરકારી કરી હોવાનું બહાર આવ્યું હતું.
જેથી તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રણ વ્યક્તિને ફરજ પરથી છૂટા કરાયા છે.જ્યારે મામલામાં સંડોવાયેલી એક મહિલા ઇન્ટર્ન તબીબને કોવિડની કામગીરીમાંથી છૂટી કરી છે.ટોળકીએ એક-બે નહિં પરંતુ 16-16 વ્યક્તિના ટેસ્ટીંગ વગર જ બોગસ રિપોર્ટ તૈયાર કર્યા હતા.
મોટા વરાછા સુદામા ચોકમાં આવેલ સાંઇ શ્રધ્ધા રેસિન્ડેન્સીમાં ધન્વંતરી રથમાંથી આ ગોબાચારી પકડાઇ છે.એ.આર.આઇના કેસ મળે તેઓના રેપિડ ટેસ્ટ કરવાના હોય છે. પરંતુ હાલમાં કોરોના વાયરસ ના કેસ ઘટી જતાં ધન્વંતરી રથમાં કામ કરતો સ્ટાફ એ.આર.આઇના કેસ ધરાવનાર વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરતી ન હતી.
માત્ર કાગળ ઉપર આ વ્યક્તિનું નામ-સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો ભરીને તેના પર નેગેટીવ રિપોર્ટનો સિક્કો મારી દેતી હતી.આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ કોન્ટ્રાક્ટ પર કામ કરતા સર્વેલન્સ વર્કર નિલોશા વસાવા,કમલ વસૈયા, જૈની ભાલાણી (નર્સ)ને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે.જ્યારે સ્મીમેરમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતી ડો.વિન્ની બંદારિયાને કોવિડની કામગીરીમાંથી છૂટા કરીને પરત સ્મીમેરમાં ડ્યુટી અપાઇ છે.
આજથી ઝોન વાઇઝ સ્કવૉડ તપાસ કરશે
શહેરમાં કુલ 101 ધન્વંતરી રથ કામે કરે છે.આ ઘટના બાદ સફાળે જાગેલા તંત્રે હવે ઝોન વાઇઝ સ્કવૉડની રચના કરી છે.સ્કવૉડની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઇ ધન્વંતરી રથની કામગીરીના સ્થળે સરપ્રાઇઝ વિઝીટ કરશે.
મેં રિપોર્ટ નથી કરાવ્યો
અમારો રિપોર્ટ કર્યો નથી.છતાં નેગેટિવ આવ્યો છે.અમારી સોસાયટીમાં વાન આવેલી પણ મને કંઈ ન થયું હોવાથી ગઈ નથી છતાં કાગળ આવ્યા.-ચંદ્રીકાબેન, સ્થાનિક
તપાસ બાદ FIR થશે
ઘટના ખૂબ જ ગંભીર છે. મામલાની તપાસ ચાલી રહી છે. તપાસના અંતે જવાબદારો સામે ફરિયાદ સહિતની કાર્યવાહી કરાશે.-ડો.આશિષ નાયક, ડેપ્યુટી કમિશનર


