વલસાડ, 19 મે : એક સપ્તાહથી વાપીના વેપારીઓ તથા મહિલા કામદારો દમણમાં પ્રવેશ આપવા માટે ચક્કાજામ કરી રહ્યા છે 500 મીટરમાં મળતી વસ્તુ લેવા માટે 10 કિમીનો ધક્કો ખાવા પડી રહ્યો છે એવા સંજોગમાં સોમવારે મોટીદમણના બામણપૂજા બોર્ડર ઉપર આવેલા ગુજરાતના પલસેટ ગામના રહીશો પણ રોડ ઉપર ઉતરી આવીને દમણમાં પ્રવેશની પરવાનગી માટે માગ કરી છે.
મોટીદમણના બામણપૂજા ચેકપોસ્ટ નજીક આવેલા ગુજરાતના એકમાત્ર ગામ પલસેટનો અત્યાર સુધીનો તમામ વહેવાર દમણ સાથે જ જોડાયેલો હતો. જોકે,કોરોના વાયરસમાં લોકડાઉનની સ્થિતિને દમણ પ્રશાસને ગુજરાતથી દમણમાં પ્રવેશવાની તમામ બોર્ડર સીલ કરાતા નજીકના ગામો મુશ્કેલમાં મુકાયા છે.રવિવારે ડાભેલ ચેકપોસ્ટ ઉપર વાપીના વેપારીઓએ હલ્લો કરી દમણ પ્રવેશ માટે માગણી કરી હતી તો સોમવારે ફરી વખત કચીગામની કંપનીમાં કામ કરતા મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો.


