અમદાવાદ,તા.૨૩
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં આવેલી પોલીસ પોલીસ વચ્ચે જ બબાલ થઈ છે. અહીં મુખ્ય ગેટ પર ફરજ બજાવતા ડીવાયએસપી વ્યાસે અન્ય ડીવાયએસપી સૈયદની ગાડીને રોકી હતી. ડીવાયએસપી સૈયદ પાસ વગર એમના પુત્રને સાથે લઈને આવ્યાં હતા. જેને કારણે બંને અધિકારી વચ્ચે ઘર્ષણ સર્જાતા જાહેરમાં ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા.
મોટેરા સ્ટેડિયમ ખાતે હજારોની સંખ્યામાં પોલીસકર્મીઓ અને અધિકારીઓ હાજર છે. ત્યારે આજે સવારે જામનગરનાં ડીવાયએસપી એ.બી.સૈયદ સરકારી ગાડીમાં આવી પહોંચ્યા હતા. ગેટ પર ડીવાયએસપી ડી.એમ.વ્યાસ હાજર હતા. જ્યારે ડીવાયએસપી સૈયદની ગાડીની તપાસ કરી ત્યારે તેમા એક ખાનગી વ્યક્તિ હતો એનો પાસ માંગવામાં આવ્યો હતો. આ વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ ડીવાયએસપી સૈયદનો પુત્ર હોવાનું લોકોએ જણાવ્યું હતું.
ડીવાયએસપીએ ગાડી કેમ રોકી તેમ કહીને ડીવાયએસપી સૈયદ ગાડીમાંથી ફિલ્મી સ્ટાઈલે નીચે ઉતર્યા અને બબાલ કરવા લાગ્યા હતા. જેથી ડીવાયએસપી વ્યાસ પણ આવેશમાં આવી ગયા અને પોતે ફરજ નિભાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં ગાળાગાળી થતા જ આઇપીએસ અધિકારીઓ વચ્ચે પડયા હતા અને સમગ્ર મામલો થાળે પાડયો હતો. આખરે ડીવાયએસપી સૈયદની ગાડી બહાર રવાના કરીને એમને એન્ટ્રી આપવામાં આવી હતી.
મોટેરા સ્ટેડિયમમાં બે ડીવાયએસપી ખૂલ્લેઆમ બાખડયા : ગાળાગાળી પર ઉતરી આવ્યા
Leave a Comment