જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાનનું ફાયરિંગમાં મૃત્યુથી દુનિયા સ્તબ્ધ:પદ્મવિભૂષણથી ગંગા આરતી સુધી ભારત સાથે આબેનો ખાસ નાતો હતો જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને ગઈ કાલે નારા સિટીમાં એક કૅમ્પેન દરમ્યાન ગોળી મારવામાં આવી હતી,જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી.તેમને ઍરલિફ્ટ કરીને હૉસ્પિટલ લઈ જવાયા હતા.જોકે એ પછી તરત અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ શ્વાસ લઈ નથી રહ્યા અને તેમનું હૃદય બંધ પડી ગયું છે.આખરે હૉસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.પોલીસે આ આઘાતજનક હુમલાના સ્થળેથી શકમંદ હુમલાખોરની ધરપકડ કરી છે.આ ઘટનાથી સમગ્ર દુનિયાના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા છે.વડા પ્રધાન ફુમિયો કિશિદાએ આ હુમલાને કાયરતાપૂર્ણ અને બર્બર ગણાવ્યો હતો.તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી લોકશાહીનો પાયો છે અને એને માટેના કૅમ્પેન દરમ્યાન થયેલા આ હુમલાને બિલકુલ માફ નહીં કરાય.
આ હુમલા બાદ દેશભરમાં ચૂંટણીપ્રચાર કરી રહેલા કિશિદા અને તેમની કૅબિનેટના પ્રધાનો ટોક્યોમાં પાછા ફર્યા હતા.આ હુમલાના ફુટેજમાં જોવા મળે છે કે આબે નારામાં મેઇન ટ્રેન સ્ટેશનની બહાર સ્પીચ આપી રહ્યા છે.તેઓ નેવી બ્લુ સૂટમાં ઊભા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો.એ પછી ફુટેજમાં જોવા મળ્યું હતું કે આબે સ્ટ્રીટમાં જ પડી ગયા હતા.સિક્યૉરિટી ગાર્ડ્સ તેમની તરફ દોડી ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર તેમની પીઠની ડાબી બાજુએ અને ગળાની જમણી બાજુએ ગોળી વાગી હતી.