કોરોના કટોકટીમાં વૈશ્વિક સ્તરે મોદીના માથે બરાબર માછલાં ધોવાઈ રહ્યાં છે.આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલી આ ટીકાને ખાળવા મોદી સરકારે ઈન્ટરનેશનલ ટીવી ચેનલ શરૂ કરવાનું નક્કી કર્યું છે.સરકારી ટીવી ચેનલ પ્રસાર ભારતી મારફતે શરૂ કરાયેલી પ્રક્રિયા અંતર્ગત આ ચેનલના એડવાઈઝરની પોસ્ટ માટે અરજીઓ મંગાવાઈ છે.
આ પોસ્ટ માટે વિસ્તૃત પ્રોજેક્ટ રીપોર્ટ સાથે અરજી કરવા કહેવાયું છે.મહત્વના તમામ દેશોમાં આ ચેનલના બ્યુરો બનાવશે અને ચેનલ મારફતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ભારત સરકારના વિચારો રજૂ કરાશે એવું પણ સ્પષ્ટ કરાયું છે.સૂત્રોના મતે, ભારત સરકારના વિચારો રજૂ કરવાનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી.આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે વાહવાહી કરાવવાનો છે.અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યાં સુધી અમેરિકાનું મીડિયા મોદીનાં ગુણગાન ગાતું હતું.બીજા દેશો અમેરિકાને અનુસરે છે તેથી મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે છવાયેલા રહેતા પણ ટ્રમ્પની વિદાય પછી મોદીના ભાવ ગગડયા છે તેથી આ ચેનલ શરૂ કરવી પડે છે.

