નવી દિલ્હી,તા. 27 : પોતાની આત્મકથામાં સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર આર.કે.રાઘવને જણાવ્યું હતું કે 2002નાં ગુજરાતના રમખાણોમાં એ વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સંડોવણીના કોઇ પુરાવા નથી.એવો મેં નિષ્કર્ષ રજૂ કર્યો એ પછી મોદીના વિરોધીઓ તરફથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો.
‘અ રોડ વેલ ટ્રાવેલ્ડ’ શીર્ષક તળેની આત્મકથામાં રાઘવને જણાવ્યું હતું કે તેમણે મારી સામે અરજીઓ કરાવી મુખ્યપ્રધાનની તરફેણ કરવાનો મારી સામે આક્ષેપ કર્યો. મારી ટેલિફોનિક વાતચીત પર નજર રાખવા તેમણે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કર્યાની પણ ચર્ચા હતી.પરંતુ સંડોવણી પુરવાર થાય તેવું કઇ ન મળતાં તે નિરાશ થયા હતા.
મોદીની રમખાણોમાં સામેલગીરીના આક્ષેપોની તપાસ માટે સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ના વડા તરીકે તેમણે કામગીરી કરી હતી.આ પીઢ અધિધારીએ દાવો કર્યો છે કે એ વખતના મુખ્યપ્રધાનની ભૂમિકા વિશે સિટના અસંદિગ્ધ વલણ તેમના વિરોધીઓને ગમ્યું નહોતું.
મુખ્યપ્રધાને 28 ફેબ્રુઆરી, 2002એ મોદી રાતની બેઠકમાં હિન્દુ ભાવનાના ઘોડાપુર વહે તો હસ્તક્ષેપ નહીં કરવા હાજર રહેલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું એવા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના દાવાનું પણ રાઘવને ખંડન કરતાં જણાવ્યું હતું કે આ આત્મકથામાં જણાવ્યું છે કે આ આક્ષેપને સમર્થન મળ્યું નહોતું.
રાઘવને જણાવ્યું હતું કે મોદીને 2002ના રમખાણોમાં સંડોવણી વિષે 100 પ્રશ્નો કરાયા હતા,પણ એકપણ તેને ઉડાવ્યો નહોતો અને નવ કલાકની પૂછપરછમાં શાંત રહ્યા હતા.રાઘવનના દાવા મુજબ મોદી પૂછપરછ માટે સિટની ઓફિસમાં આવવા સંમત થયા હતા અને પોતાની પાણીની બોટલ લાવ્યા હતા.

