ગુજરાતમાં રૂપાણીના રાજીનામાને પગલે ચૂંટણી પંચની ઓફિસમાં પણ ચહલપહલ તેજ થઈ છે.સૂત્રોનું કહેવું છે કે, મોદી તરફથી પંચને ગુજરાતમાં પણ ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજવા માટે તૈયાર રહેવા કહી દેવાયું છે.ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો નથી તેથી ચૂંટણી યોજવી સરળ છે.પંચે મૌખિક રીતે પોતે તૈયાર હોવાનું કહી દીધું છે છતાં પંચને ત્રણ દિવસમાં રીપોર્ટ બનાવીને પીએમઓને આપવાની સૂચના અપાઈ છે.
મિચ્છામી દુક્કડમ કહીને વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યો
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેની સાથે ગુજરાતમાં પણ ચૂંટણી કરાવી નાંખવાની મોદીની યોજના હોવાનો આ સૂત્રોનો દાવો છે.સંવત્સરીના બીજા દિવસે મિચ્છામી દુક્કડમ કહીને વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યો છે ત્યારે ઝડપથી બદલાતા જતા રાજકારણમાં એવી અટકળોએ પણ જોર પકડયું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમય કરતાં વહેલી આવશે.જો કે સત્તાવાર રીતે આ અટકળોને બળ મળ્યું નથી, કેમ કે નવા મુખ્યમંત્રીને કામ કરવાનો સમય આપવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે વિજય રૂપાણી જ્યારે રાજભવન પહોંચ્યા ત્યારે આશ્ચર્ય સાથે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તેમની સાથે જોડાયા હતા.આ બન્ને કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિ માટે કેન્દ્રનો ઇશારો હોઇ શકે છે.
ગુજરાતના રાજકારણ સાથે હાલની સ્થિતિએ કોઇ લેવાદેવા નથી તેવાં પ્રફુલ્લ પટેલ પણ ગુજરાતમાં
ગુજરાતના નવા મુખ્યમંત્રી પદ માટે કેટલાક નામોની અટકળો ચાલી રહી છે ત્યારે આ બન્ને કેન્દ્રીય મંત્રીઓ પણ ચર્ચામાં આવી ગયા છે.મહત્વની બાબત એવી પણ જાણમાં આવી છે કે ગુજરાતના રાજકારણ સાથે હાલની સ્થિતિએ કોઇ લેવાદેવા નથી તેવાં પ્રફુલ્લ પટેલ પણ ગુજરાત આવ્યા છે.તેમની હાજરી પણ સૂચક બની શકે છે.
પ્રફુલ્લ પટેલ ગુજરાતમાં રાજ્ય ગૃહમંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે અને અત્યારે તેઓ દિવ,દમણ,દાદરા નગર હવેલી અને લક્ષદ્રીપના એડમિનિસ્ટ્રેટર છે. મુખ્યમંત્રીની પસંદગીના કાર્યમાં જોડાવા માટે હાઇકમાન્ડના ઘણાં દૂત પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે તેથી વિવિધ નામોની અટકળો તેજ બની છે.
યુપીની ચૂંટણીમાં ભાજપ રામમંદિર સહિતના મુદ્દા ગજવીને હિંદુત્વની લહેર કરાશે
યુપીની ચૂંટણીમાં ભાજપ રામમંદિર સહિતના મુદ્દા ગજવીને હિંદુત્વની લહેર ઉભી કરીને પૂરી તાકાતથી ઉતરવાનો છે.આ માહોલનો લાભ ગુજરાતને પણ મળે તેથી વહેલી ચૂંટણીની યોજના છે.
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, વાસ્તવમાં મોદી વિપક્ષની નબળાઈનો લાભ લેવા વહેલી ચૂંટણી કરાવી દેવા માગે છે.કોંગ્રેસ વેરવિખેર છે અને આમ આદમી પાર્ટી માટે પંજાબ અને ઉત્તરાખંડ વધારે મહત્વનાં છે તેથી ગુજરાત પર ધ્યાન નહીં આપી શકે.