વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા (Hiraba)ની તબિયત નાદુરસ્ત થતાં તેમને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ મોદી યુએન હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં તેઓ માતા હીરાબાના ખબર અંતર પૂછ્યા છે અને નિષ્ણાત તબીબો પાસેથી માહિતી મેળવી રહ્યાં છે.
પીએમ મોદીના આગમનને પગલે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા અને અમદાવાદના પોલીસ કમિશનર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પીએમના પ્રોટોકોલ પ્રમાણે કોનવે તૈયાર કરવામાં આવ્યો છે અને જ રૂટથી પીએમ મોદી યુએન હોસ્પિટલ જવાના છે તે રોડ પર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
અનેક રિપોર્ટ કરવામાં આવ્યા
હાલ તેમની તબિયત સ્થિર હોવાની સત્તાવાર માહિતી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે.હીરાબાના બ્લડ રિપોર્ટ સહિતના અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુએન હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા અને થોડીવાર પહેલાજ હોસ્પિટલમાંથી બહાર ગયા છે.
દર્દીના સગા વ્હાલાઓ માટે સૂચના
પીએમ મોદી યુએન હોસ્પિટલ આવી રહ્યો હોય તેને લઇને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીના સગાઓને સૂચના આપવામાં આવી છે.દર્દી સાથે નક્કી કરાયેલી એકજ વ્યક્તિ હાજર રહી શકશે.પીએમ મોદી હાજર હોય તે દરમિયાન દર્દીના સગાવ્હાલાઓ અવર-જવર કરી શકશે નહીં.
ખાસ ટીમ કરી રહી છે સારવાર
હીરાબાની તબિયત લથડતા તેમને યુએન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.જ્યારે હોસ્પિટલની એક ખાસ ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.યુએન હોસ્પિટલ દ્વારા એક હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે,જેમાં હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા સતત હીરાબાના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યાં છે.
રૂટ ડાયવર્ટ કરાયો
વડાપ્રધાન મોદી આવ્યા હોય એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પીએમ મોદીની સ્ક્વોડ પર એરપોર્ટ ખાતે પહોંચી ગઇ છે.પીએમના આગમનને પગલે રૂટ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે.મોદીની અમદાવાદ આવ્યા હોય તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
અનેક રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા
હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હીરાબાની ખબર અંતર જાણવા માટે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે.તેમજ અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ યુએન હોસ્પિટલ પહોંચ્યા છે.ધારાસભ્ય રમણલાલ વોરા અને અમદાવાદના મેયર હોસ્પિટલ પહોંચ્યા છે.સાંસદો અને મંત્રીઓ હોસ્પિટલમાં હાજર છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું
હીરાબાની નાદુરસ્ત તબિયત હોવા અંગે જાણ થતાં જ રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા ટ્વિટ કરવામાં આવી છે અને હીરાબા ઝડપથી સાજા થઇ જાય એ માટે કામના કરવામાં આવી છે.વિધાનસભા ચૂંટણી 2022 વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર દરમિયાન ગુજરાતમાં હતા ત્યારે તેમણે માતા હીરાબાની મુલાકાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા.નોંધનીય છેકે, જ્યારે પણ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હોય છે ત્યારે તેઓ માતા હીરાબાને અચૂક મળે છે અને આશીર્વાદ લે છે. 2016માં પણ હીરાબાની તબિયત લથડી હતી એ સમયે તેમને ગાંધનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.એ સમયે તેમણે કોઇપણ પ્રકારની વીઆઇપી ટ્રીટમેન્ટ મેળવવાના બદલે હોસ્પિટલના જનરલ વોર્ડમાં સામાન્ય દર્દીની જેમ દાખલ થયા હતા અને સારવાર લીધી હતી.