અમદાવાદ : નરેન્દ્ર મોદી સરકારે રૂ.20 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું છે.જોકે તેનાથી દેશની કંપનીઓના સીઈઓ ખાસ ઉત્સાહિત જણાતાં નથી. તેઓએ કહ્યું છે કે આ રૂ.20 લાખ કરોડના પેકેજથી અર્થવ્યસ્થાને ઉત્તેજન મળી જશે પરંતુ સેક્ટરવાઈઝ વિશેષ રાહતની ખાસ જરૂર છે જે પુરી કરાઈ નથી,તેઓ આ રાહત પેકેજથી ઘણાં નિરાશ છે તેમ સીઈઓ પોલમાં જણાવવામાં આવ્યું છે.
સીઈઓએ જણાવ્યું હતું કે સરકારે ગરીબોને સીધી કેશ ડોલ્સ આપીને ગ્રાહક માંગમાં વધારો કરવાની જરૂર હતી.વધુમાં મિડલ ક્લાસને ટેક્સમાં ઘટાડો કરી રાહત આપવાની તાતી જરૂર હતી.ગઈકાલે એક રાષ્ટ્રવ્યાપી પોલમાં 25 કંપનીઓના 64 ટકા સીઈઓએ જણાવ્યું હતું કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં જાહેર કરેલા પેકેજથી સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ મળશે પરંતુ 88 ટકા સીઈઓએ જણાવ્યું હતું કે તેઓ સેક્ટર-વિશિષ્ટ પેકેજોની અપેક્ષા રાખતા હતા.લોકડાઉન શરુ થયા બાદ કેટલાક ઉદ્યોગો જેવા કે ઉડ્ડયન,હોસ્પિટાલિટી, ટ્રાવેલ & ટુરિઝમ તેમજ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં શૂન્ય રોકડ પ્રવાહ જોવા મળ્યો છે.આ સેક્ટરની કંપનીઓ પર કમર્ચારીઓની છટણી કરવાનું અથવા તો પગારમાં બેહદ ઘટાડો કરવાનું દબાણ વધી રહ્યું છે.બજાજના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જણાવ્યું હતું કે જીએસટી કર ઘટાડવા તેમાં જ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવા પગલાંથી અર્થતંત્રને વધુ સારી રીતે વેગ મળ્યો હોત.
અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી.આજે તેમાં આંકડો રૂ.20.97 લાખ કરોડને પાર થઇ ગયો હોવાની વિગતો નાણામંત્રીએ આપી હતી. જોકે,આ રકમમાંથી માત્ર 12.8 ટકા રકમ કેન્દ્રના બજેટમાંથી કે કેન્દ્રના ખિસ્સામાંથી જઈ રહી છે જે રૂ.2,69,450 કરોડ થાય છે..


