નવી દિલ્હીઃ કોરોનાની મહામારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે,એક આરટીઆઇમાં એવી માહિતી સામે આવી છે,જેના વિશે જાણીને તમે ચોંકી જશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતની બેંકોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયેલા કિંગફિશર એરલાઇન્સનાં વિજય માલ્યા, ભાગેડુ મેહુલ ચોકસી,ભાજપના નજીકના યોગગુરૂ બાબા-રામદેવની કંપનીઓ સહિતના 50 મોટા વિલફુલ ડિફોલ્ટરોનાં 68,067 કરોડ રૂપિયા માફ કર્યાં છે, આ માહિતી 30 સપ્ટેમ્બર 2019 સુધીની છે.
આ લિસ્ટમાં ડાયમંડના વેપારી અને ભાગેડું મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડનું નામ પહેલું છે,ચોકસીને ભારતમાં લાવવા સીબીઆઇ અને ઇડી અત્યારે કામ કરી રહ્યાં છે,બીજા નંબર પર REI એગ્રો લિમિટેડ છે,જેના પ્રમોટર્સ સામે ઇડીએ કેસ દાખલ કર્યો છે,આ ઉપરાંત યોગગુરૂ બાબા રામદેવ અને બાલકૃષ્ણની કંપની રૂચી સોયા ઇંડસ્ટ્રીઝ લિમિટેડ, ઇંદોર અને જૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટિડે ગ્વાલિયરનો પણ સમાવેશ થયો છે. અમદાવાદ સ્થિત હરીશ આર મહેતાની ફોરએવર પ્રેશિયસ જ્વેલરી એન્ડ ડાયમંડસ પ્રાઇવેટ લિમિટેડનું પણ કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું છે.
આરટીઆઇ કાર્યકર્તા સાકેત ગોખલે જણાવ્યું છે કે આ આરટીઆઇ એટલા માટે દાખલ કરી હતી કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્યકક્ષાના મંત્રી અનુરાગ ઠાકુરે 16 ફેબ્રઆરીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં આરબીઆઇએ તેમને આ માહિતી આપી છે,હવે આ મામલે રાજનીતિ પણ ગરમાઇ છે, કોંગ્રેસના નેતાઓ ફરીથી મોદી સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણી રહ્યાં છે,કારણ કે દેશમાં નાના ઉદ્યોગો અને ખેડૂતોની દયનીય હાલત છે અને હવે કરોડપતિ ઉદ્યોગપતિઓ અને કૌભાંડીઓના કરોડો રૂપિયાનાં દેવા માફ થઇ રહ્યાં છે.


