નવી દિલ્હી, તા.6 : ભારત સરકાર દ્વારા આજકાલ મોગલ બાદશાહ ઔરંગઝેબના ભાઈ દારા શિકોહની કબ્રની શોધખોળને વેગવંતી બનાવાઈ છે. સરકારે આ માટે એક કમિટી પણ બનાવી છે.બીજી તરફ દિલ્હી નગર નિગમના એન્જિનિયર સંજીવ કુમાર સિંહે દાવો કર્યો છે કે, દારા શિકોહની કબ્ર દિલ્હીના હુમાયુના મકબરામાં આવેલી છે.સંજીવ સિંહે ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને સંખ્યાબંધ કબ્રોનો અભ્યાસ કર્યો છે અને તેની સાથે સાથે ઔરંગઝેબના જીવન ચરિત્ર આલમગીર નામમાંથી જાણકારી મેળવી છે અને એ પછી દાવો કર્યો છે કે, દારા શિકોહને હુમાયનુ મકબરામાં એ ગુંબજ નીચે દફનાવાયો છે જ્યા અકબરના પુત્રો દાનિયાલ અને મુરાદ દફન થયેલા છે.
સંજીવ કુમારનુ કહેવુ છે કે, આલમગીર નામામાં પણ દારા શિકોહની કબ્ર હુમાયુના મકબરામાં હોવાનો ઉલ્લેખ છે.ઉલ્લેખનીય છે કે, દારા શિકોહ ઔરંગઝેબનો મોટો ભાઈ હતો અને તેને 1659માંમારીને ઔરંગઝેબે ગાદી કબ્જે કરી હતી.સંજીવ કુમાર સિંહના દાવાની ચકાસણી કરવા માટે સાંસ્કૃતિક મંત્રાલયની એક ટીમ હુમાયુના મકબરાની મુલાકાત લેવાની છે.દારા શિકોહ ભારતીય ઉપનિષદોનો અભ્યાસુ હોવાની સાથે ઉદારમતવાદી છાપ ધરાવતો હતો અને આરએસએસ દ્વારા મોગલ શાસકોમાં માત્ર દારા શિકોહના ચરિત્રને જ પસંદ કરવામાં આવે છે.સંજીવ કુમાર સિંહનુ જે અનુમાન છે તેની સાથે બીજા ઘણા જાણકારો સંમત છે.હવે કમિટી શું તારણ પર આવે છે તે જોવાનુ રહે છે.

