– દક્ષિણની એક ટીવી ચેનલે ગપગોળો ચલાવતા રમુજ
– હેલીકોપ્ટર મની’નો અર્થ સમજ્યા વગર બાફયુ: સરકારને સ્પષ્ટતા કરવી પડી
નવી દિલ્હી, તા. ૧૭ : એક દક્ષિણ ભારતની ન્યુઝ ચેનલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના મહામારીના સંકટ વચ્ચે ભારત સરકાર તમામ શહેરોમાં હેલીકોપ્ટરથી પૈસા નાખશે.કોરોના વાયરસને કારણે હાલ દેશભરમા લોકડાઉન છે અને તેના કારણે લોકો આર્થિક સંકટનો પણ કરી રહ્યા છે.જો કે પીઆઈબીએ આ સમાચારના ખોટા હોવાનું કર્યુ છે.આ ચેનલે ગપગોળો ચલાવતા ભારે ધમાલ મચી ગઈ છે.સોશ્યલ મીડીયામા પણ આ સમાચાર ઝડપથી વાયરલ થયા હતા.જ્યારે સત્ય તપાસવામા આવ્યુ તો આ ગપગોળો હોવાનુ જાહેર થયુ હતું.
સરકાર આવુ કશુ કરવાની નથી અને કોઈએ જુઠ્ઠા સમાચાર ફેલાવ્યા છે.કોઈ મોદી ભકતે ઉત્સાહના અતિરેકમાં આવુ કર્યુ હોવાનુ પણ બહાર આવ્યુ છે. અત્રે એ નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હેલીકોપ્ટર મનીની ચર્ચા છે.આનો અર્થ એ થાય છે કે કટોકટીના સમયમાં સરકાર લોકોના ખાતામાં સીધેસીધા પૈસા જમા કરાવી દયે કે જેથી લોકો પોતાની જરૂરીયાતો પુરી કરી શકે.આ માટે રીઝર્વ બેન્ક રૂપિયા સીધા પ્રિન્ટ કરી સરકારને આપી દયે છે અને સરકાર પછી આ રૂપિયા લોકોના ખાતામાં જમા કરી દયે છે.હેલીકોપ્ટર મનીનો અર્થ એ નથી કે આકાશમાંથી પૈસા વરસાવવામાં આવે.સરકાર આ રીતે ખાતામાં પૈસા જમા કરાવે તેને હેલીકોપ્ટર મની કહેવાય છે.આ પ્રકારના આ અહેવાલોએ અનેક લોકોમાં રમુજ પણ ફેલાવી હતી.એવુ પણ કહેવાય છે કે હેલીકોપ્ટર મનીનો અર્થ સમજ્યા વગર આ ગપગોળો ચલાવવામાં આવ્યો હતો.