મોન્ટે કાર્લો, તા.૧૩: વર્લ્ડ રેન્કિંગમાં ૪૨મો ક્રમાંક ધરાવતા અમેરિકાના કોરડાએ માયામી માસ્ટર્સ જીતી ચૂકેલા વર્લ્ડ નંબર ૧૧ સ્પેનિશ ખેલાડી અલકારાઝને ૭-૬(૭-૨), ૬-૭(૫-૭), ૬-૩થી હરાવતા મોન્ટે કાર્લો માસ્ટર્સમાં અપસેટ સર્જ્યો હતો. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં સનસનાટી મચાવનારા ૧૮ વર્ષના અલકારાઝને કોરડાએ ત્રણ કલાક અને એક મિનિટના સંઘર્ષ બાદ હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.અલકારાઝ જુલાઈ,૨૦૨૧ પછી ક્લે કોર્ટ પર પહેલી મેચ હાર્યો હતો.અગાઉ વર્લ્ડ રેન્કિંગમાં ૪૦૭મો ક્રમાંક ધરાવતા સ્પેનના ફોકિનાએ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચને ત્રણ સેટના મેરેથોન મુકાબલામાં ૬-૩, ૬-૭ (૫-૭), ૬-૧થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. જ્યારે ત્રીજો સીડ ધરાવતા ગ્રીસના સિત્સિપાસે ઈટાલીના ફોગ્નીની સામે ૬-૩, ૬-૦થી હરાવ્યો હતો.ઈન્ડિયન વેલ્સની ફાઈનલમાં નડાલને હરાવનારા અમેરિકાના ફિટ્ઝે ક્રોએશિયાના સિલીચને ૬-૩, ૪-૬, ૬-૪થી હરાવ્યો હતો. જ્યારે બેલ્જીયમના ગોફિને બ્રિટનના ઈવાન્સ સામે ૭-૬ (૭-૫), ૬-૨થી જીત હાંસલ કરી હતી.નોર્વેના કાસ્પર રુડે ડેનિશ ખેલાડી રુને સામે ૭-૬ (૭-૫), ૭-૫થી અને પોલેન્ડના હુર્કાઝે સ્પેનના માર્ટિનેઝને ૬-૩, ૪-૬, ૬-૪થી હરાવીને આગેકૂચ કરી હતી.


