આજે સવારે 7 વાગ્યાથી રાજ્યની 8 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન શરૂ થયું છે.ગુજરાતમાં આ પહેલુ એવું મતદાન છે જે ઇતિહાસમાં ક્યારેય પણ થયું ન હોય કારણ કે,આ વખતે મતદાન દરમિયાન કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ સામાજિક અંતર રાખીને,માસ્ક અને હાથ મોજા પહેરીને મતદારોએ મત આપ્યો હતો. મતદાન શરૂ થયા બાદ કેટલીક જગ્યાઓ પર EVM મશીન ખરાબ થયા હોવાની ફરિયાદો ઉઠી હતી.ત્યારે સૌથી વધુ મોરબી અને માળિયા બેઠક પર EVM મશીન ખરાબ થયા હોવાની ફરિયાદો ઉઠી હતી.ત્યારે તાત્કાલિક ચૂંટણી પંચે EVM મશીન બદલીને મતદાન શરૂ કરાવ્યુ હતું.ત્યારે મોરબીની રસિકલાલ શાહ હાઇસ્કૂલમાં આવેલા મતદાન મથકની બહાર ભાજપ દ્વારા ભાજપને પ્રભાવિત કરતી પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જેના કારણે એક નાગરિકે બૂથમાં જઈને ચૂંટણી સ્ટાફને ખખડાવ્યો હતો.
રિપોર્ટ અનુસાર રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલની હાજરીમાં મોરબીની રસિકલાલ શેઠ હાઈસ્કૂલના મતદાન મથકની બહાર ભાજપ દ્વારા ભાજપને પ્રભાવિત કરતી કેટલીક પત્રિકાનું વિતરણ કરવામાં આવતું હતું.જેના કારણે એક જાગૃત નાગરિક પત્રિકા લઈને બૂથમાં ગયો હતો ચૂંટણી સ્ટાફને આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો હોવા બાબતે ફરિયાદ કરી હતી પરંતુ જાગૃત નાગરિકની ફરિયાદ સાંભળવાના બદલે ચૂંટણી સ્ટાફે કહી દીધું હતું કે,આ અમારામાં ન આવે તેથી જાગૃત નાગરિકે થોડીવાર મતદાન નહીં કરવાનું જણાવ્યું હતું.
જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મોરબીના SP સહિતના પોલીસ અધિકારીઓ મતદાન મથક પર દોડી ગયા હતા પરંતુ મીડિયાને બૂથની અંદર જવા દેવામાં આવી ન હતી.જાગૃત નાગરિક જ્યારે પત્રિકા લઈને પોલિંગ બૂથની અંદર જઈ રહ્યો હતો ત્યારે તેને પત્રિકા સાથે લઇ જતા કોઈએ અટકાવ્યો શા માટે નહીં આ બાબત પર પણ હવે સવાલો ઉભા થઇ રહ્યા છે.તો બીજી તરફ મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા દેવામાં આવતો નથી તેવામાં આ વીડિયો કઈ રીતે વાયરલ થયો તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત મોરબીના મેઘપર ગામનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેમાં ભાજપના કાર્યકર્તાઓ ગામના લોકોને ભાજપને મત આપવાનું કહીને કમળનું બટન દબાવજો તેવું કહેતા વીડિયોમાં દેખાયા હતા.આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.


