– ઇઝરાયેલના અખબાર હારેટ્સનો ઘટસ્ફોટ
– પેગાસસ બનાવનારી કંપની પર મોસાદનું પ્રભુત્વ ફોન હેક કરવાનું પણ કહેવાતું હોવાનો દાવો
જેરૂસલેમ : ઇઝરાયલના અખબાર હારેટ્સ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરી દાવો કરવામાં આવ્યો છે કે પેગાસસ સોફ્ટવેર બનાવનારી કંપની એ.એસ.ઓ.માં ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના અધિકારીઓનું ઘણું પ્રભુત્વ હતું અને આ એન.એસ.ઓ. અને પેગાસસની મદદથી મોસાદે ઘણાં વિદેશી નેતાઓ અને અધિકારીઓની જાસૂસી કરાવી હતી.
મોસાદના અધિકારીઓ ઘણીવાર વિદેશી અધિકારીઓને લઇને એ.એસ.ઓ.ના હેડક્વાર્ટર પર આવતા હતા.પ્રકાશિત થયેલા અહેવાલમાં એન.એસ.ઓ.ના પૂર્વ કર્મચારીએ કહ્યું છે કે મોસાદના અધિકારીઓ ઘણીવાર એન.એસ.ઓ. કંપનીને ફોન હેક કરવાનું કહેતા હતા.જો કે આઅહેવાલમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે મોસાદ દ્વારા કયા ફોન નંબર અને કયા વ્યક્તિનો ફોન હેક કરવાની સૂચના આપવામાં આવતી હતી.
આ પૂર્વ કર્મચારી દ્વારા એવો ફોડ પણ પાડવામાં આવ્યો નથી કે મોસાદ કયા હેતુથી ફોન હેક કરવાની સૂચના આપતી હતી.આ ઉપરાંત દાવો કરવામાં આવ્યો છે કે મોસાદ અને એન.એસ.ઓ. વચ્ચે ઘનિષ્ઠ સંબંધોના કારણે શરૂઆતના દિવસોમાં પેગાસસની વેચાણ પ્રક્રિયામાં મોસાદના અધિકારીઓની હાજરી પણ રહેતી હતી.
થોડાં દિવસો પહેલાં જ ફિનલેન્ડની સરકાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના દેશના રાજદૂતોના મોબાઇલ ફોન એક જટીલ જાસૂસી સ્પાયવેર દ્વારા હેક કરવામાંઆવ્યા છે.જેના માટે એક સરકારી સંસ્થા જવાબગાર છે અને ફોન હેક કરવા માટે એન.એસ.ઓ. દ્વારા વિકસાવવામાં આવેલા પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.