– પ્રફુલ પટેલ સામે કરાયેલા આક્ષેપ બાબતે ચર્ચા સાથે તટસ્થ તપાસની કરી માગ
– મોહન ડેલકરના પુત્ર અભિનવને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આશ્વસન આપ્યું
સુરત : દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતની તટસ્થ તપાસ કરાવવા માટે પુત્ર અભિનવે સમર્થકો સાથે સુરત ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની આજ મુલાકત લઇને રજૂઆત કરી હતી.જોકે પ્રફુલ પટેલ પર આક્ષેપ મામલે ચર્ચા સાથે ન્યાય મળે તેવી રજૂઆત કરતા પ્રદેશ પ્રમુખે અભિનવને આશ્વાસન આપ્યું હતું.
થોડા દિવસો અગાઉ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટલમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.ત્યારબાદ 15 પાનામાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.એ સુસાઇડ નોટમાં તેમના મોત માટે જવાબદાર લોકોના નામ પર લખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.મોહન ડેલકરના આપઘાત મામલે કેન્દ્ર સરકારની સાથે સાથે મહારાષ્ટ્ર સરકારને પણ રજૂઆત કરી મોહન ડેલકરના મોત મામલે જવાબદાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આપઘાત કેસનો મામલો દિનપ્રતિદિન પેચીદો બનતો જઇ રહ્યો છે.મુંબઈની હોટેલમાં મોહન ડેલકરે કરેલ આપઘાત કેસની ન્યાયિક તપાસની માંગ તેમના પરિવારજનો તરફથી કરવામાં આવી રહી છે. જે મામલે આજ રોજ ડેલકરના પુત્ર અભિનવે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની સુરતના અંબાનગર ખાતે આવેલ તેમના કાર્યાલય મુકામે મુલાકાત કરી હતી.અભિનવ ડેલકરે તેના સમર્થકો સાથે આવ્યા હતા અને ભાજપ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા.શાસક પક્ષ નેતા પ્રફુલ પટેલ પર આંગળી ચીંધી છે અને તેઓને તાત્કાલિક પદ પરથી હટાવવાની માગ કરી છે.
પ્રદેશ પ્રમુખે ન્યાય મળે તેવી બાહેંધરી આપી
અભિનવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે,પિતાએ આ મામલે ઘણી બધી વાતો તેના સમક્ષ કરી હતી.પરંતુ આ મામલો અહીં સુધી પહોંચી જશે તેની કલ્પના નહોતી.આગામી દિવસોમાં આ મામલે નવા ખુલાસો કરીશું.હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યાં નિષ્પક્ષ તપાસની આશા છે.જોકે તેમની તમામ વાત સાંભળીને પ્રદેશ પ્રમુખે તેમને ન્યાય મળે તેવી બાહેંધરી આપી હતી.જોકે આગામી દિવસોમાં આ સાંસદ આત્મહત્યા મામલો વધુ પેચીદો અને વધુ ઉગ્ર બને તેવા એંધાણ પણ હાલમાં દેખાઈ રહ્યા છે.
શંકરસિંહ વાઘેલાએ ડેલકરનાં પરિવારની મુલાકાત લીધી
અત્યાર સુધી શિવસેના,કોંગ્રેસ-એનસીપી અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા મોહન ડેલકરના પરિવારની મુલાકાત લઇ આવ્યા છે.મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી તેમના પરિવારને તમામ સહયોગની ખાતરી આપી હતી.સાથે અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા મોહન ડેલકરના મોત મામલે ઊંડાણપૂર્વક અને તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.હવે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરનાં પરિવારની મુલાકાત લીધી હતી.જ્યાં તેઓએ મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને મોહન ડેલકરના મોત મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો સાથે ઊંડાણપૂર્વક તપાસની માગ કરી અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.


