સંઘપ્રદેશ દાનહ : મુંબઇની મરીન ડ્રાઇવ સ્થિત એક હોટલમાંથી સોમવારે સંઘપ્રદેશ દાનહના સાંસદનો મૃતદેહ મળ્યા બાદ સમગ્ર પ્રદેશમાં લોક જુવાળ ફાટી નીકળ્યો છે.કેટલાક આદિવાસી સંગઠનોએ સીબીઆઇ તપાસની માગ કરીને આવેદનપત્ર આપ્યા છે.એવા સંજોગમાં મૃતક સાંસદ ડેલકરના સમર્થિત ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને પાલિકાના સભ્ય પોતાના કાર્યાલયમાં ન જઇને કામગીરીથી અળગા રહીને પ્રશાસન સામે વિરોધ નોંધાવશે તેવું જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જણાવ્યું છે.
સંઘપ્રદેશ દાનહના સાંસદ ડેલકરના સમર્થિત જિલ્લા પંચાયત તેમજ પાલિકા સભ્યોને જિલ્લા પંચાયત ઉપપ્રમુખે દિપક પ્રધાને ગુરૂવારે એવી જાહેરાત કરી હતી કે,મોહનભાઈના બારમાની વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના કાર્યાલયમાં નહીં જાય અને કામથી અળગાં રહીને તેઓ વિરોધ પ્રદર્શિત કરશે.દાનહ સાંસદ મોહનભાઇ ડેલકરના આપઘાત બાદ પ્રદેશની રાજનીતિમાં શોકની લાગણી ફરી વળી છે.એમના સમર્થકો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ડેલકરને ન્યાય મળે એની માંગણી કરી રહયા છે.
ગુરૂવારે ડેલકર ખેમાના ચૂંટાયેલા સેલવાસ પલિકાના અને જિલ્લા પંચાયત સભ્યો તથા તમામ ગ્રામ પંચાયતના સરપંચોએ નક્કી કર્યું હતું કે,જ્યા સુધી અમારા સ્વર્ગીય સાંસદની ધાર્મિક વિધિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ સરકારી કાર્યક્રમમાં ભાગ લેવો નહિ. કામગીરીથી અળગાં રહીને તેઓ વિરોધ પ્રદર્શન નોંધાવશે.અમારી કચેરી કામકાજ બંધ રાખવાનું નક્કી કર્યું છે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને એક વીડિયોમાં આ વાત જણાવી છે.એમણે વધુમાં એ પણ કહ્યું છેકે આ પ્રકારે અમે પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.ગુરૂવારે દાનહમાં સ્વ. મોહનભાઈ ડેલકરને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરશે.
પ્રશાસનના બોર્ડ ઉતારવાનો લેટર વાયરલ
સાંસદ ડેલકરના મોતમાં બુધવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપેલા નિવેદનમાં મુંબઇ પોલીસ આ કેસમા઼ નિષ્પક્ષ તપાસ આદરશે અને તેમના પરિવારને ન્યાય મળે એવું આશ્વાસન આપ્યું હતું.જોકે,સાંસદના મોત બાદ સંઘપ્રદેશમાં લોક આક્રોશ વધી ગયો હોવાનું જાણવા મળે છે.ગુરૂવારે ખાનવેલના આરડીસીને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું છેકે,પ્રશાસનના પ્રદેશમાં લાગેલા તમામ હોડિગ્સ હટાવી લેવાની માગ કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


