– મુંબઇની હોટલમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી
– ડેલકર આત્મહત્યાની ઊંડાણથી તપાસ કરવામાં આવશે : અનિલ દેશમુખ
દાદર નગર હવેલીના સાંસદ મોહનભાઈ સંજીભાઈ ડેલકરે મુંબઈમાં આવીને આત્મહત્યા કર્યા પછી મહારાષ્ટ્ર પ્રશાસને હવે આ મામલાને ગંભીરતાથી લીધો છે.કોંગ્રેસે આ પ્રકરણે ઊંડાણથી તપાસ કરવા માટે માગણી કર્યા બાદ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ પ્રકરણની સંપૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.
હાલ કોરોનાને લઈને દેશમુખ ક્વોરન્ટાઈનમાં હોવાથી દેશમુખે કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રવક્તા સચિન સાવંત સાથે ઓનલાઈન વાત કરી હતી. આ સમયે દેશમુખે જણાવ્યું કે, ડેલકરે મુંબઈમાં આવીને આત્મહત્યા કરી તેની પાછળ શું કારણ છે તેની તપાસ કરવામાં આવશે.તેમની સુસાઈડ નોટમાં કેટલાક પ્રશાસકીય અધિકારીઓનાં નામ છે,પરંતુ પ્રશાસકીય અધિકારીઓ સહયોગ નથી આપતા તેટલા કારણથી ડેલકરે આત્મહત્યા કરી હોય તેવું મને લાગતું નથી.
ખાસ કરીને આમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલનું નામ આવ્યું છે,પરંતુ પ્રફુલ્લ પટેલ પર કેન્દ્રના પ્રશાસકનું દબાણ હતું કે કેમ કે પછી પટેલનું તેમના પ્રશાસકીય અધિકારીઓ પર દબાણ હતું,જેને લઈ ડેલકર આત્મહત્યા કરવા પ્રેરિત થયા એવા અનેક પ્રશ્ન ઉપસ્થિત થયા છે.ખાસ કરીને ડેલકરે મુંબઈમાં આવીને આત્મહત્યા કરી તે પરથી એવું લાગે છે કે તેમને મહારાષ્ટ્રમાંથી જ ન્યાય મળશે એવી આશા હતી.આથી અમે આ સંપૂર્ણ પ્રકરણની ઊંડાણથી તપાસ કરીશું એમ દેશમુખે જણાવ્યું હતું.


