– કોલેજ બચાવવા માટે 25 કરોડની ખંડણી માગી હોવાનો ગંભીર આક્ષેપ
– દાદરા નગરની કોલેજ પર નિયંત્રણ મેળવવા પ્રફુલ પટેલ દ્વારા સતત ત્રાસ અપાતો હતો
– ખોટા કેસ દાખલ કરીને ચૂંટણી નહીં લડવા માટે તેમને સતત ડરાવવામાં આવ્યા હતા
– લોકસભા વિશેષાધિકાર સમિતિના સભ્યોએ ગંભીર નોંધ લીધા પછી ત્રાસ વધી ગયો હતો
– સાંસદ ડેલકરના પુત્રએ નોંધાવેલી FIR માં ઉલ્લેખ કર્યો હતો કે અન્ય અધિકારીઓ પણ તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને વિવિધ રીતે ત્રાસ આપતા હતાં
દાદરા- નગર : દાદરા- નગર હવેલીના સાંસદ મોહનભાઈ સંજીભાઈ ડેલકર (58)ની પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત નવ જણ દ્વારા વિવિધ રીતે માનસિક સતામણી થતી હતી.તેમની પાસેથી રૂ. 25 કરોડની ખંડણી માગવામાં આવી હતી.ઉપરાંત ખોટા કેસીસ દાખલ કરીને અન્ય માર્ગે ડર બતાવીને ચૂંટણી નહીં લડવા માટે અને કોલેજ પર નિયંત્રણ મેળવવા માટે ત્રાસ આપવામાં આવતો હતો, એવા ગંભીર આરોપ ડેલકરના પુત્ર અભિનવે મરીન ડ્રાઈવ પોલીસમાં મંગળવારે રાત્રે નોંધાવેલી એફઆઈઆર (નં. 36 /2021)માં કર્યા છે.ખાસ કરીને પ્રફુલ્લ પટેલ ઉપરાંત જિલ્લાધિકારી સંદીપ સિંહ,તત્કાલીન એસપી શરદ દરાડે,ઉપજિલ્લાધિકારી અપૂર્વ શર્મા, ઉપવિભાગીય અધિકારી મનસ્વી જૈન,પીઆઈ મનોજ પટેલ,રોહિત યાદવ,ફતેહસિંહ ચૌહાણ,તલાઠી દિલીપ પટેલ દ્વારા તેમના હોદ્દા અને અધિકારોનો દુરુપયોગ કરીને અનુસૂચિત જમાતીના હોવાની માહિતી હોવાથી વિવિધ માર્ગે ત્રાસ અપાતો હતો,એમ ફરિયાદમાં જણાવાયું છે.
કોલાબા વિભાગના એસીપી પાંડુરંગ શિંદે દ્વારા ભારતીય ફોજદારી સંહિતાની કલમો 306 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું), 506 (ગુનાહિત ધાકધમકી), 389 (ગુનામાં ફસાવવાનો ડર બતાવવો), 120 (બી) (ગુનાહિત કાવતરું), તેમ જ એટ્રોસિટી ધારા (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જમાતી ધારા)ની કલમો 3 (1) (પી), 3 (2), (2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસની તપાસ એસઆઈટી કરી રહી છે,જે ટૂંક સમયમાં જ પૂછપરછ શરૂ કરવાની શક્યતા છે.અભિનવની ફરિયાદ અનુસાર ડેલકરની એસએસઆર કોલેજ પ્રતિષ્ઠિત હોવાથી સમાજમાં તેનો પ્રભાવ જોતાં પ્રફુલ્લ પટેલ તેને પોતાના નિયંત્રણ હેઠળ લેવા માગે છે.કોલેજની જમીનની બજાર કિંમત રૂ. 100 કરોડ આસપાસ છે.આથી કોલેજનો કબજો લેવા પટેલ પ્રશાસનની મદદથી અલગ અલગ રીતે ધમકી આપતા હતા.ઈજા પહોંચાડવાના અને ખોટા કેસીસ દાખલમાં અટકાવવાની ધમકી આપતા હતા.વર્ષથી કોલેજનો કબજો લેવા પટેલ દબાણ કરતા હતા.કોલેજના ટ્રસ્ટમાં 11 ટ્રસ્ટી હોઈ આઠ ટ્રસ્ટી પોતાના લેવા માટે ધમકાવતા હતા અને આવું નહીં કરાય તો ગુનામાં અટકાવીને ધમકી આપી હતી.જો રૂ. 25 કરોડની ખંડણી નહીં આપે તો પાસા કાયદા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં નાખવાની ધમકી પણ આપી હતી.
અભિનવની ફરિયાદ અનુસાર ડેલકર ત્રાસથી બહુ તણાવ હેઠળ આવી ગયા હતા.લોકસભા અધ્યક્ષ પાસે ફરિયાદ કર્યા પછી તેમને સતામણી બંધ થશે એવી આશા હતી,પરંતુ કોઈ ફેર પડ્યો નહોતો.લોકસભા વિશેષાધિકાર સમિતિ સામે થયેલી સાક્ષીમાં ડેલકરે જો મારી સતામણી બંધ નહીં થાય તો મારી પાસે આત્મહત્યા કરવા સિવાય છૂટકો નહીં રહેશે એમ સ્પષ્ટ રીતે કહ્યું હોવા છતાં મારા પિતાના ત્રાસમાં કોઈ ફેર પડ્યો નહોતો.ઊલટું,અલગ માર્ગે વધુ ધમકીઓ આપવાનું શરૂ કરાયું હતું.તપાસ સમિતિના સભ્યોએ ડેલકરની ફરિયાદની ગંભીર નોંધ લેવા છતાં પ્રફુલ્લ પટેલ અને પ્રશાસનના અધિકારીઓની વર્તણૂકમાં કોઈ ફેર પડ્યો નહોતો.ઊલટું,તેઓ વધુ આક્રમક બન્યા હતા,એમ ફરિયાદમાં જણાવાયું છે.
ડેલકર આપઘાત કેસમાં બુધવારે લોકસભામાં શિવસેના,એનસીપી અને અન્ય કેટલીક પાર્ટીના સાંસદોએ ડેલકર આપઘાતના કેસમાં પ્રશાસક અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.શિવસેના સાંસદ વિનાયક રાઉતે સંસદમાં જણાવ્યુ હતું કે 7 ટર્મથી સાંસદ પદે રહેલા ડેલકરજીએ આપઘાત કરવો પડે તે બહુ દુ:ખની વાત છે. સંઘપ્રદેશના પ્રશાસક અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી.એનસીપી સાંસદ સુપિયા સુલેએ જણાવ્યુ હતું કે દાનહના સાંસદ એટલી હદે નિરાશ હતા કે જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લેવો પડયો હતો.પ્રશાસક અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અન્ય પાર્ટીના સાંસદોએ પણ સમર્થન આપ્યુ હતું.
ફરિયાદ અનુસાર ડેલકર માટે કામ કરતા ઈન્દ્રજિત પરમારની ખોટા કેસમાં ધરપકડ કરી હતી.અભિનવે જણાવ્યું કે આ સામે કોર્ટમાં જવા અથવા મિડિયામાં જવા માટે મેં મારા પિતાને સમજાવ્યા ત્યારે તેમણે પટેલ કોઈ પણ સ્તરે જઈ શકે છે અને આખા કુટુંબને ત્રાસ આપી શકે છે અને ઈજા પહોંચાડી શકે છે એવું કહીને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.ખોટી તપાસ શરૂ કરાવી હતી. બંધ કેસ ફરી ખોલીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.દાનહ મુક્તિ દિવસના કાર્યક્રમમાં 66 વર્ષની પરંપરા તોડીને કલેક્ટર જાતે ચીફ ગેસ્ટ બન્યા અને તેમણે જ ભાષણ આપ્યું.ડેલકરનું નામ જ કાર્યક્રમમાંથી કાઢી નાખ્યું હતું અને ભાષણ કરવા દીધું ન હતું.
નિવાસી ઉપ જિલ્લાધિકારી અપૂર્વ શર્માએ તેમના પત્રમાં ડેલકરનો અપમાનજનક ઉલ્લેખ કર્યો હતો.કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી નિત્યાનંદ રોય મુલાકાતે આવ્યા ત્યારે શિષ્ટાચાર વિરુદ્ધ ડેલકરનું નામ નિમંત્રિતોની યાદીમાંથી કાઢી નખાયું હતું.ડેલકરે આ કાર્યક્રમમાં હાજરી નહીં આપતાં ખોટી માહિતી ફેલાવીને ગેરસમજ ઊભી કરવામાં આવી હતી.
એસપી શરદ દરાડેએ પીઆઈ મનોજ પટેલને ડેલકર વિરુદ્ધ સેલવાસ પોલીસ સ્ટેશનમાં એક જૂના કેસ ફેર તપાસ શરૂ કરાવીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.પટેલના નિકટવર્તી ફતેહસિંહે પણ ડેલકર વિરુદ્ધ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ખોટા અને ગંભીર આરોપ કરતા વિડિયો બનાવીને તે સોશિયલ મિડિયામાં પ્રસારિત કર્યા હોવાનો અભિનવે આક્ષેપ કર્યો છે.
તલાટી દિલીપ પટેલે 18-2-2021ના રોજ પ્રશાસકોના કાર્યાલયમાં ખોટી અને નિરાધાર ફરિયાદ કરી હતી.આમ,પ્રશાસકીય અધિકારીઓ પ્રફુલ્લ પટેલના કહેવા મુજબ સિનિયર અને જુનિયર અધિકારીઓ ડેલકરને ત્રાસ આપવાનું કાવતરું ઘડતા હતા, એમ પણ ફરિયાદી અભિનવ ડેલકરે ફરિયાદમાં જણાવ્યું હતું.
22 ફેબ્રુઆરીએ મુંબઇની હોટેલમાં ફાંસો ખાઈને ડેલકરે આત્મહત્યા કરી હતી.આ પૂર્વે તેમણે પોતાના લેટરહેડ પર 15 પાનાંની સુસાઈડ નોટ લખી હતી,જેમાં ડેલકરે પોતાની કઈ રીતે સતામણી થતી હતી તે વિશે વિગતવાર માહિતી લખી હોવાનું કહેવાય છે.એફઆઈઆર અનુસાર છેલ્લા એક વર્ષથી ડેલકર પ્રચંડ દબાણમાં હતા. સંસદમાં અને અલગ અલગ અધિકારી અને પદાધિકારીઓ પાસે ફરિયાદ કરી હતી.તેમને પ્રસાર માધ્યમોએ ઘણી પ્રસિદ્ધિ આપી હતી.આથી રોષે ભરાઈને પ્રશાસન અને પોલીસે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું,એમ અભિનવે ફરિયાદમાં જણાવ્યું છે.


