ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં રાજકીય ઊથલપાથલ જોવા મળી છે. મ્યાનમારની સેનાએ તખ્તાપલટ કરતાં આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટની ધરપકડ કરી લીધી છે અને એક વર્ષ માટે ઇમર્જન્સી લાદી દીધી છે.મ્યાનમાર સૈન્ય ટેલિવિઝનના જણાવ્યા અનુસાર સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્રણ કરી લીધું છે અને સેનાના કમાન્ડર-ઇન-ચીફ મીન આંગ હલાઇંગને સત્તા સોંપવામાં આવી છે.
મ્યાનમાર સેનાએ જારી કરેલા નિવેદન અનુસાર ચૂંટણીમાં કરવામાં આવેલી ધોખાઘડીને પગલે તખ્તાપલટ કરવામાં આવ્યો છે.આ સાથે જ દેશના અલગ-અલગ વિસ્તારોમાં સેનાની ટુકડી તહેનાત કરવામાં આવી છે.મ્યાનમારના મુખ્ય શહેર યાંગુનમાં સિટી હૉલની બહાર સેનાને ખડકી દેવામાં આવી છે,જેથી કોઈ તખ્તાપલટનો વિરોધ ન કરી શકે.