અમદાવાદ : ગુરુવાર,16 જુન,2022 : શહેરના નારોલ વિસ્તારમાં ખુલ્લેઆમ ઉદ્યોગો દ્વારા કેમિકલયુકત પાણી જાહેર રોડ ઉપર છોડવામાં આવી રહ્યા છે આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલબોર્ડ દ્વારા કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી.આ કારણથી સ્થાનિક રહીશો તંત્રને એવો પ્રશ્ન પણ પુછી રહ્યા છે કે એવુ કયુ કારણ છે કે આ બંને સક્ષમ સત્તા ઉદ્યોગો સામે નકકર કાર્યવાહી કરવાના બદલે લાચાર બની ગઈ છે?
ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાબરમતી નદી ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા પ્રોસેસ હાઉસો દ્વારા ટ્રીટ કર્યા વગર છોડવામાં આવી રહેલાં કેમિકલયુકત પાણીને બંધ કરવા વારંવાર ટકોર કરવામાં આવી રહી છે.આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ ટ્રીટ કર્યા વગર કેમિકલયુકત પાણી છોડી રહેલા એકમો સામે કાર્યવાહી કરવા મામલે બેદરકાર જોવા મળી રહ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ અંગે કાર્યવાહી કરવાની સત્તા ગુજરાત પોલ્યુશન કંટ્રોલબોર્ડ પાસે હોવાનો રાગ આલાપી રહ્યા છે.આ બંને વચ્ચે સંકલનના અભાવે જે વિસ્તારોમાં પ્રોસેસહાઉસો દ્વારા ટ્રીટ કર્યા વગર કેમિકલયુકત પાણી છોડવામાં આવી રહ્યા છે એ વિસ્તારોમાં રહેતા રહીશોના જાહેર આરોગ્ય ઉપર ખતરો વધી રહ્યો છે.
નારોલ વિસ્તારમાં આવેલી જુની મટનગલી જયાં નજીકમાં આવેલા પ્રોસેસ હાઉસ દ્વારા ખુલ્લેઆમ ટ્રીટ કર્યા વગરનું કેમિકલયુકત પાણી રોડ ઉપરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગટરમાં ઠાલવવામાં આવી રહ્યુ હોવાછતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ આ પ્રોસેસ હાઉસને તાત્કાલિક ધોરણે બંધ કરી મોટી રકમનો દંડ વસૂલ કરવાના બદલે એમની આંખો ઉપર પટ્ટો બાંધી ફરજ બજાવી રહ્યા છે.


