અમદાવાદ : ગુરુવાર,9 જુન,2022 : સાબરમતી નદી અને મ્યુનિ.ની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં ટ્રીટ કર્યા વગર પ્રદૂષિત પાણી છોડતી અમદાવાદની ૪૬૭ ઈન્ડ્રસ્ટ્રીઝના ઈન્ડસ્ટ્રીયલ જોડાણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાપવામાં આવ્યા છે.સૌથી વધુ દક્ષિણ ઝોનમાં ૨૩૦ એકમોના ઈન્ડસ્ટ્રીયલ જોડાણ કાપવામાં આવ્યા છે.અમદાવાદમાં ઉદ્યોગો દ્વારા તેમના એકમોના ટ્રીટ કર્યા વગર છોડવામાં આવતા પાણીને લઈ હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.આદેશને પગલે મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના દક્ષિણઝોન,ઉત્તરઝોન ઉપરાંત પૂર્વ અને મધ્યઝોનના વિવિધ વિસ્તારોમાં ચાલતા ઈન્ડસ્ટ્રીયલ એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
દક્ષિણ ઝોનમાં દાણીલીમડા,બહેરામપુરા ઉપરાંત ઈસનપુર,લાંભા અને ઈન્દ્રપુરી વોર્ડમાં ૪૩૫ પૈકી ૨૩૦ ઈન્ડસ્ટ્રીયલ એકમોના જોડાણ કપાયા છે.બહેરામપુરા વોર્ડમાં ૧૪૮ એકમોના જોડાણ કાપવામાં આવ્યા છે.ઉત્તરઝોનમાં નરોડા ઉપરાંત ઈન્ડિયાકોલોની,સરદારનગર,સૈજપુર ઉપરાંત સરસપુર-રખીયાલ ઉપરાંત બાપુનગર અને ઠકકરનગર વોર્ડમાં આવેલા ૩૭૩ એકમો પૈકી ૮૯ એકમના જોડાણ કાપવામાં આવ્યા છે.જેમાં નરોડાના ૪૧ એકમનો સમાવેશ થાય છે.
પૂર્વઝોનમાં અમરાઈવાડી,વિરાટનગર,ઓઢવ ઉપરાંત ગોમતીપુર,રામોલ-હાથીજણ,નિકોલ ઉપરાંત વસ્ત્રાલ અને ભાઈપુરા વોર્ડમાં ૨૨૧૪ એકમો પૈકી ૧૨૭ એકમના જોડાણ તંત્રે કાપી નાંખ્યા છે.જેમાં સૌથી વધુ ઓઢવ વોર્ડના ૪૬ એકમનો સમાવેશ થાય છે.મધ્યઝોનમાં શાહીબાગ ઉપરાંત અસારવા અને ખાડિયા વોર્ડમાં ૫૭૩ એકમો પૈકી ૨૧ એકમના જોડાણ કાપવામાં આવ્યા છે.જેમાં શાહપુર વોર્ડના ૧૯ એકમનો સમાવેશ થાય છે.


