અમદાવાદ : મ્યુનિ.હદ વિસ્તારમાં ખરીદવામાં આવતાં વાહન ઉપર વ્હિકલ ટેક્સ નહિ ભરવાનાં કૌભાંડનો પર્દાફાશ કરતાં રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે,આરટીઓ પાસેથી ડેટા મેળવીને વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં રજીસ્ટ્રેશન થયેલાં ૪૦ હજાર જેટલાં વાહનમાલિકોને તાત્કાલીક વ્હિકલ ટેક્સ ભરી દેવા નોટિસો ફટકારવામાં આવી છે.મ્યુનિ.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે,મ્યુનિ.હદ વિસ્તારમાં રહેતાં નાગરિકો કોઇ વાહન ખરીદે તો તેની ઉપર મ્યુનિ.નો આજીવન વાહનવેરો ભરવો ફરજીયાત છે,પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમુક સબડિલર,અમુક ડિલર ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને વધુ ડિસ્કાઉન્ટનાં નામે મ્યુનિ.નો વ્હિકલ ટેક્સ ભરતા નથી,અમુક કિસ્સામાં નાગરિકો જાતે ટેક્સ ભરી દઇશું તેમ કહીને વાહનવેરો ભરતા નથી.
આ બાબત ધ્યાને આવતાં આરટીઓની બન્ને કચેરીઓમાંથી રજીસ્ટર્ડ થયેલાં વાહનોની વિગતો મંગાવીને મ્યુનિ.વ્હિકલ ટેક્સ ખાતાનાં ડેટા સાથે સરખાવતાં હજારો વાહનોનાં ટેક્સ ભરાયા નથી તેવુ પૂરવાર થઇ રહ્યું છે.આથી વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં રજીસ્ટ્રેશન થયેલાં પણ વ્હિકલ ટેક્સ ભર્યો ન હોય તેવા ૪૦ હજાર વાહનમાલિકોને નોટિસ ફટકારવામાં આવી છે,આ વાહનમાલિકો પાસેથી ૧૫ કરોડ જેટલી જંગી રકમ વસુલ કરવાની થાય છે.
ચેરમને વધુમાં જણાવ્યું હતું કે,આરટીઓમાં રજીસ્ટર્ડ થતા વાહનોનાં ડેટા ઓનલાઇન મ્યુનિ.ટેક્સ ખાતામાં જોઇ શકાય તે માટે પોર્ટલ ઉપર ઓનલાઇન એક્સેસનાં પાવર અપાવવાનાં પ્રયાસ ચાલુ છે,જેનાથી બન્ને કચેરીમાં અમદાવાદ શહેરના સરનામા ઉપર રજીસ્ટર્ડ થતાં વાહનોનો ટેક્સ ભરાયો છે કે નહિ તે જાણી શકાશે.
મ્યુનિ.પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા નાગરિકો માટે જાહેર કરવામાં આવેલી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અંતર્ગત બીજા તબક્કાની શરૂઆત થઇ છે,જેમાં નવ ટકા રિબેટ અને ઓનલાઇન ટેક્સ ભરનારને વધુ એક ટકો મળી ૧૦ ટકા રિબેટ આપવામાં આવે છે.આ સ્કીમનો વધુ કરદાતા લાભ લઇ શકે અને મ્યુનિ.ટેક્સની આવકમાં ૧૩૬ કરોડનો જંગી વધારો થઇ શકે તે માટે ૩૭ હજાર જેટલાં કરદાતાઓને મ્યુનિ.ટેક્સ ખાતુ વ્યક્તિગત પત્રો પાઠવશે તેવી માહિતી રેવન્યુ કમિટી ચેરમેને આપી હતી.તેમણે કહ્યું કે,એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અંતર્ગત મ્યુનિ.ને ૪૬૨ કરોડ જેટલી આવક થવા પામી છે,તેમાં ઓનલાઇન આવક ૫૫ ટકા થઇ છે.આમ ટેક્સની આવકમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.


