અમદાવાદ : શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોની સુવિધા માટે કરોડોનાં ખર્ચે બનાવાયેલાં ૬૦ જેટલાં હોલ અને પાર્ટીપ્લોટનુ સંચાલન ખાનગી કોન્ટ્રાકટરોને સોંપી વર્ષેદહાડે ૨૦ કરોડથી વધુ આવક મેળવવાની દિશામાં શાસક ભાજપે વિચારણા હાથ ધરી છે.મ્યુનિ.ભાજપનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર,શહેરીજનોને સારાનરસા પ્રસંગો યોજવા માટે ઘણીવાર સોસાયટીનાં પ્લોટ નાના પડતાં હોય તેવા સંજોગોમાં તેમને મ્યુનિ.નાં હોલ અને પાર્ટીપ્લોટ ઉપર આશા રાખવી પડતી હોય છે.કોટ વિસ્તારમાં તો સામાજીક પ્રસંગો યોજવા માટે અગાઉ મ્યુનિ.શાળાઓ ભાડે આપવામાં આવતી હતી,પરંતુ તેમાં પ્રસંગ પત્યે ગંદકી સહિતની સમસ્યાઓ સામે આવતાં શાળાઓ ભાડે આપવાનુ બંધ કરાતા નાગરિકોને રોડ ઉપર પ્રસંગ યોજવાની ફરજ પડે છે.કોટ વિસ્તાર સિવાય પણ શહેરનાં કેટલાય વિસ્તારોમાં સેવાવસ્તીનાં નાગરિકો પણ રોડ ઉપર પ્રસંગ યોજી ખુશી મનાવતાં હોય છે.
મ્યુનિ.માં ચૂંટાતા કોર્પોરેટરો પણ તેમનાં વોર્ડ વિસ્તારમાં એકાદ હોલ અથવા પાર્ટીપ્લોટ,લાયબ્રેરી અને જીમ્નેશિયમ બને તેવી ઇચ્છા રાખતાં હોય છે.તેના પગલે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં હાલ ૬૫ જેટલાં હોલ-પાર્ટીપ્લોટ બનાવવામાં આવેલાં છે,જે શહેરની કુલ વસ્તીને ધ્યાને લેતાં પૂરતા નથી.તેના કારણે નાગરિકોને સામાજીક પ્રસંગો યોજવા ખાનગી હોલ કે પાર્ટીપ્લોટ ઉપર મદાર રાખવો પડે છે અને તે ખર્ચાળ પૂરવાર થાય છે.તેની સામે મ્યુનિ.નાં હોલ-પાર્ટીપ્લોટ નજીવા ભાડે મળી રહે છે,પરંતુ તેમાં જાતજાતની સમસ્યા સર્જાઇ રહી છે.
મ્યુનિ.હોલ-પાર્ટીપ્લોટ અગાઉ ખાનગી કોન્ટ્રાકટરોને સંચાલન માટે સોંપવામાં આવ્યા હતા,તેમાં કેટલાક પ્રકારની ફરિયાદો બાદ હોલ-પાર્ટીપ્લોટ પાછા મ્યુનિ.હસ્તક લઇ લેવાયા પછી હોલ-પાર્ટીપ્લોટની દેખરેખ-જાળવણીને લઇ વારંવાર વિવાદો સર્જાયા કરે છે.સાત ઝોનમાં આવેલાં પાર્ટીપ્લોટ-હોલની જવાબદારી ઝોન-વોર્ડનાં અધિકારીઓને સોંપવામાં આવી છે તેમ છતાં તંત્રની બેદરકારીનાં કારણે હોલ-પાર્ટીપ્લોટ બુક કરાવનારાને સફાઇ,પાણી,લાઇટ-એસી ચાલુ બંધ જેવી સમસ્યાનો સામનો કરવાનો વારો આવતો હોવાની ફરિયાદો ખુદ કોર્પોરેટરો કરી રહ્યાં છે.બીજી બાજુ કોરોના મહામારી અને અવાસ્તવિક બજેટ અને વધુ પડતાં વિકાસકાર્યોનાં કારણે મ્યુનિ.ની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે.ત્યારે મ્યુનિ.શાસક ભાજપે આવક વધારવા જુદી જુદી દિશાઓમા નજર દોડાવવાનુ શરૂ કર્યુ છે.
ટેકસ ખાતાનાં ચેરમેને અને ટીપી કમિટી ચેરમેને તેમનાં ખાતાઓમાંથી આવક વધે તે દિશામાં સૂચન કર્યા છે,આ કવાયતનાં ભાગરૂપે તેમજ નાગરિકોને સુવિધા યોગ્ય રીતે મળી રહે તે માટે મ્યુનિ.હોદ્દેદારોએ હોલ અને પાર્ટીપ્લોટ પણ ખાનગી કોન્ટ્રાકટરોને સંચાલન માટે સોંપાય તો કેટલી આવક થાય તેની ચર્ચાવિચારણા તંત્ર સાથે હાથ ધરી હતી.જેમાં અધિકારીઓએ તમામ હોલ-પાર્ટીપ્લોટ કોન્ટ્રાકટ ઉપર આપવામાં આવે તો ઓછામાં ઓછા ૨૦ કરોડની વાર્ષિક આવક થાય તેવી માહિતી આપી હતી.આ આવક સિવાયનાં વિષયો ઉપર પણ હોદ્દેદારોએ અધિકારીઓ સાથે પૂછપરછ કરી હતી.મ્યુનિ.ભાજપનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર,હોદ્દેદારો હવે શહેર-પ્રદેશનાં આગેવાનો સાથે ચર્ચા કરીને મ્યુનિ.ની આવક વધે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરશે


