– સેંકડો ગરીબ લોકો વેપારીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એકઠા થયા હતા ત્યારે નાસભાગ મચી
– ભીડને કાબુમાં લેવા પ્રયાસરૂપે હવામાં ફાયરિંગ કર્યું જે ઈલેક્ટ્રિક વાયર સાથે અથડાતા વિસ્ફોટ થયો અને લોકો તેનાથી ગભરાઈ જતા નાસભાગ મચી હતી
યમન ,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર : બુધવારે મોડી રાત્રે યમનની રાજધાનીમાં એક નાણાકીય સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર નાસભાગમાં 80થી વધુ લોકોના મોત થયા છે,જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.હૌથી સંચાલિત આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર સનાના મધ્યમાં ઓલ્ડ સિટીમાં જ્યારે સેંકડો ગરીબ લોકો વેપારીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એકઠા થયા હતા ત્યારે નાસભાગ મચી ગઈ .
ઘાયલોમાંથી 13ની હાલત ગંભીર
ડઝનેક ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.સનામાં એક વરિષ્ઠ આરોગ્ય અધિકારી,મોતાહેર અલ-મારોનીએ મૃતકોની સંખ્યા આપી અને કહ્યું કે હૌથી બળવાખોરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓછામાં ઓછા 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાસ્થળે પત્રકારો સહિતના લોકોના આવવા પર પ્રતિબંધ
જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે જગ્યાને બળવાખોરોએ તરત જ શાળાને સીલ કરી દીધી હતી અને પત્રકારો સહિત લોકોને પ્રવેશતા અટકાવ્યા હતા.પ્રત્યક્ષદર્શીઓ અબ્દેલ-રહેમાન અહેમદ અને યાહિયા મોહસેને જણાવ્યું હતું કે ભીડને કાબૂમાં લેવાના પ્રયાસમાં,સશસ્ત્ર હૌથીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો જેમાંથી એક ઇલેક્ટ્રિક વાયરને અથડાતા વિસ્ફોટ થયો હતો.તેનાથી ગભરાટ ફેલાયો અને લોકોએ નાસભાગ કરવાનું શરૂ કર્યું હતું.ગૃહ મંત્રાલયે કહ્યું કે તેણે બે આયોજકોની અટકાયત કરી છે અને તપાસ ચાલી રહી છે.