રોકડનાં સંકટ સામે ઝઝૂમી રહેલી યસ બેંક સહિત અમુક ખાનગી ક્ષેત્રની બેંકોના સંકટ પર કોંગ્રેસના આ નેતાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વમાં હવે ખરા અર્થમાં હિંદુઓ ખતરામાં આવ્યા છે. આ કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, મુશ્કેલીમાં મુકાયેલા મોટાભાગના ખાતાધારકો બહુસંખ્યક સમાજના છે.
બેંકોમાં સૌથી વધારે પૈસા બહુસંખ્યક હિંદુઓનાઃ
આ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, બેંકોમાં સૌથી વધારે પૈસા બહુસંખ્યક હિંદુઓના છે, જે હવે સુરક્ષિત નથી. ઘણાં પરિવાર ખતમ થઈ ગયા. તેના માટે માત્ર મોદી સરકાર જવાબદાર છે. તેમણે PMC બેંક કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમુક લોકોના તો તેમના પૈસા ફસાઈ જશે તે ચિંતામાં પણ મોત થયા છે. આ કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા ભાગેડુઓએ બહુસંખ્યક હિંદુઓના પૈસા લૂંટ્યા છે.
મોદી-શાહને માત્ર ગુજરાતની ચિંતાઃ
આ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં લગભગ 109 બેંકો સંકટમાં છે કારણ કે તેમના પૈસા યસ બેંકમાં ફસાયા છે. RBIની રોકના એક દિવસ પહેલા યસ બેંકથી વડોદરા સ્માર્ટ સિટી વિકાસ કંપની દ્વારા 256 કરોડ રૂપિયા ઉપાડવા બાબતે ઈશારો કરતા તેમણે કહ્યું કે, આના પરથી કહી શકાય કે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને માત્ર ગુજરાતની જ ચિંતા છે. દેશને લઈને તેમને કોઈ ચિંતા નથી.
કોંગ્રેસ નેતા સચીન સાવંતે આ વાત કરી છે. તેમણે દાવો કર્યો કે ઓરિસ્સાના ભગવાન જગન્નાથ મંદિરના 545 કરોડ રૂપિયા સંકટ સામે ઝઝૂમી રહેલી યસ બેંકમાં જમા છે. તેમણે કહ્યું કે, કેન્દ્રની દેખરેખમાં ભગવાન પણ ખતરામાં છે. ભાજપા અને તેની સાથે જોડાયેલા સંગઠનો ધ્રુવીકરણના રાજકારણ માટે હિંદુઓના ખતરામાં હોવાની વાત કરે છે પણ ખરેખર તો મોદી સરકારના નેજા હેઠળ જ ખરા અર્થમાં હિંદુઓ ખતરામાં છે.