મુંબઇ, તા. 19 માર્ચ 2020, બુધવાર
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પુછપરછ મુંબઇ ખાતે આવેલી EDની ઓફિસમા ચાલી રહી છે. અનિલ અંબાણીની યસ બેંકના મની લોનંડરીંગના કેસ બાબતે પુછપરછ કરવામા આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, EDએ તા. 16 માર્ચના રોજ અનિલ અંબાણીને પુછપરછ માટે સમન્સ પાઠવ્યુ હતુ. અનિલ અંબાણીએ નાદુરસ્ત તબિયતનુ કારણ આપીને પુછપરછ માટે વધુ સમય માંગ્યો હતો. અનિલ અંબાણી ગ્રુપ કંપનીની 8 પેટા કંપનીઓએ મળીને યસ બેંક પાસેથી 12,800 કરોડ રૂપિયાની લોન લીધી હોવાના અહેવાલો રજૂ થયા હતા. એ પછી અનિલ અંબાણીની પૂછપરછનો સંકેત ઈડીએ આપ્યો હતો.
ઈડીએ તમામ કર્જદાર ઉદ્યોગપતિઓને યસબેંક મુદ્દે સમન્સ પાઠવવાનું નક્કી કર્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. લોનની પ્રક્રિયા તેમ જ યસબેંકના રાણા કપૂર સાથે લિંક હોવા મુદ્દે ઈડીએ તપાસ હાથ ધરી છે. જોકે, રિલાયન્સ ગ્રુપે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે કંપનીની મની લોન્ડરિંગના આરોપમાં કોઈ જ સંડોવણી નથી અને લોનની પ્રક્રિયામાં પણ કોઈ જ ગરબડ થઈ નથી. અગાઉ પણ કંપનીએ એવી જાહેરાત કરી હતી કે યસબેંકમાંથી જે લોન લેવામાં આવી છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કંપનીએ રકમ નિર્ધારિત સમયમાં પાછી આપશે.