– ઓમિક્રોનના ભય વચ્ચે વિશ્વમાં કોરોનાએ માથું ઊંચક્યું.દુનિયામાં કુલ કેસ 27.36 કરોડ, મૃત્યુઆંક 53.57 લાખ
લંડન/વોશિંગ્ટન,તા.૧૭ : દુનિયામાં ઓમિક્રોન વેરિઅન્ટના ભય વચ્ચે કોરોના મહામારીએ ફરી એક વખત માથું ઊંચક્યું છે.એકબાજુ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે બીજીબાજુ અગાઉ દુનિયામાં કેર વર્તાવનારા ડેલ્ટા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે.આ પરિસ્થિતિઓ વચ્ચે બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ 93,૦૦૦થી વધુ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.બીજીબાજુ અમેરિકામાં પણ એક જ દિવસમાં કોરોનાના નવા ૧.૫૦ લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાની સ્થિતિ એટલી ભયાનક છે કે મિનેસોટામાં માત્ર ૩૫ દિવસમાં ૧,૦૦૦થી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના ૭.૩૧ લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૭,૦૦૦નાં મોત નીપજ્યાં હતા.
બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે,ઓમિક્રોન વેરિઅન્ટના ભય વચ્ચે દેશમાં વિક્રમી સંખ્યામાં કોરોનાના દૈનિક કેસ નોંધાયા છે.દેશમાં ગુરુવારે એક જ દિવસમાં ૮૮,૩૭૬ નવા કેસ નોંધાયા છે અને વધુ ૧૪૬નાં મોત નીપજ્યાં છે.આ સાથે બ્રિટનમાં કોરોનાના કુલ કેસ ૧,૧1,90,354 થયા છે જ્યારે મૃત્યુઆંક વધીને ૧,૪7,048 થયો છે.બ્રિટનમાં ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે.દેશમાં ઓમિક્રોનના વધુ ૧૬૯૧ કેસની સાથે ઓમિક્રોનના કુલ કેસ ૧૧,૭૦૮ થયા છે અને આ આંકડો હજુ વધવાની સંભાવના છે.બ્રિટનમાં ચીફ મેડિકલ ઓફિસરે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધવાની આશંકા વ્યક્ત કરી છે.તેમણે કહ્યું કે ઓમિક્રોન અંગે હજુ પણ ભારે અનિશ્ચિતતા ફેલાયેલી છે.લોકોએ સાવધ રહેવાની જરૃર છે.
અમેરિકામાં પણ ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧,૪૪,૮૭૧ કેસ સાથે કુલ કેસ ૫,૧૪,૩૫,૬૫૨ થયા છે જ્યારે વધુ ૯૯૭નાં મોત સાથે મૃત્યુઆંક ૮,૨૪,૫૨૦ થયો છે.આ સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસ ૨૭,૩6,35,998 થયા છે જ્યારે મૃત્યુઆંક ૫૩,૫7,445 થયો છે.અમેરિકામાં કોરોનાએ ફરી ઊથલો મારતાં સ્થિતિ એટલી ભયાનક થઈ છે કે મિનેસોટ્ટા રાજ્યમાં વધુ ૫૪ દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૦,૦૧૮ થયો છે.અહીં ૧૮૮ દિવસમાં ૧,૦૦૦ દર્દીઓનાં મોત થતાં મૃત્યુઆંક ૭,૦૦૦થી ૮,૦૦૦ થયો હતો. જોકે, પછીના માત્ર ૫૮ દિવસમાં વધુ ૧,૦૦૦ લોકોનાં મોત થતાં મૃત્યુઆંક ૯,૦૦૦ થયો હતો અને ત્યાર પછી માત્ર ૩૫ દિવસમાં મૃત્યુઆંક ૧૦,૦૦૦થી વધુ થઈ ગયો હતો.


