- યુકેમાં ઓમિક્રોનના વધુ 249 કેસો નોંધાતા કુલ 817 કેસો
- ઓમિક્રોનના પગલે ફરી રસીની સંગ્રહખોરી થવાની ચિંતા : ‘હૂ’
- યુએસમાં ફરજિયાત રસીકરણની દરખાસ્ત સેનેટમાં નકારાઇ
- રસી ઉત્પાદકોમાં કોરોનાની રસીને ઓમિક્રોન લાયક બનાવવા માટે સ્પર્ધા
વોશિંગ્ટન : અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સ અને ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર છેલ્લા થોડા દિવસોમાં યુએસમાં 1,33,000 કરતાં વધારે બાળકો કોરોનાના ટેસ્ટમાં પોઝિટિવ જણાયા છે. અમેરિકામાં દર અઠવાડિયે નોંધાતા કોરોનાના કેસોમાં 22.4 ટકા કેસો બાળકોના હોય છે.
આ અહેવાલમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ કરી આજ સુધીમાં બાળકોના વીસ લાખ કેસો નોંધાયા છે. સળંગ સત્તર સપ્તાહથી બાળકોમાં કોરોનાના એક લાખથી વધારે કેસો નોંધાયા છે. બાળકોમાં કોરોનાની આકરી બિમારી જોવા મળતી નથી પણ બાળકો પર મહામારીની લાંબા ગાળાની અસરો તપાસવા માટે વધારે ડેટા એક્ત્ર કરવાની જરૂરિયાત પર આ સંસ્થાઓ દ્વારા ભાર મુકવામાં આવ્યો હતો
યુરોપમાં પણ બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ બેથી ત્રણ ગણું વધારે હોવાનું જણાયું છે. યુરોપના હૂના વડા ડો. હાન્સ કલુજે જણાવ્યું હતું કે બાળકો અને શાળાઓને કોરોનાના ચેપ સામે રક્ષણ આપવાની તાતી જરૂર છે. આ બાળકો નાતાલના વેકેશનમાં ઘરોમાં આવશે ત્યારે તેમના કારણે તેમના માતાપિતાઓ અને દાદા-દાદીઓમાં કોરોનાનો ચેપ ફેલાવાનું અને તેને કારણે જેમણે રસી ન લીધી હોય તેમના મોત થવાનું જોખમ દસ ગણું વધારે રહેશે.
યુકેમાં ઓમિક્રોનના નવા 249 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 817 પહોંચવાને પગલે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને શુક્રવારથી અમલમાં આવે તે રીતે નવા નિયંત્રણો જાહેર કર્યા હતા.ઓમિક્રોનનો ચેપ પ્રસરતો ઘટાડવા માટે શિયાળાનો પ્લાન બી જાહેર કરતાં જ્હોન્સને જણાવ્યું હતું કે ઓમિક્રોનના કેસો બમણાં થવામાં બેથી ત્રણ દિવસનો જ સમય લાગે છે.
આ નવા નિયમો અનુસાર શુક્રવારથી જાહેર સ્થળોએ, થિયેટર તથા સિનેમાગૃહોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે લોકો ઘરેથી કામ કરી શકે છે તેમને ઓફિસે જવાનું ટાળવા માટે જણાવવામાં આવ્યું છે.
દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોનના કેસો વધવાને પગલે કોરોનાની રસીઓની સંઘરાખોરી વધવાની પણ આશંકા વ્યક્ત કરી છે. રસીકરણ વિશેના નિષ્ણાતોની બેઠકને અંતે કોરોનાની રસીનો મોટો જથ્થો ધરાવતી સરકારોને બૂસ્ટર ડોઝનો બહોળો ઉપયોગ કરવાને બદલે રસીનો અમુક જથ્થો ઓછી આવક ધરાવતાં દેશોને ફાળવવાની અપીલ કરી હતી.
દરમ્યાન યુએસમાં બાઇડન વહીવટીતંત્રની 100 કે તેથી વધારે કર્મચારીઓ ધરાવતા બિઝનેસે તેમના કર્મચારીઓનું રસીકરણ કરવાની જવાબદારી બજાવવાની અથવા તેમણે દર અઠવાડિયે ટેસ્ટિંગનો અહેવાલ આપવા જણાવતી દરખાસ્તને સેનેટ દ્વારા બાવન વિરૂદ્ધ અડતાળીસ મતે નકારી કાઢવામાં આવી છે.
ડેમોક્રેટની બહુમતિ ધરાવતાં ગૃહમાં આ દરખાસ્તને ફરી રજૂ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. અદાલતોએ હવે આ આદેશને હાલ તો હોલ્ડ પર રાખવો પડશે. દરમ્યાન ઓમિક્રોનના આગમન સાથે કોરોનાની રસીને સુધારવાની જરૂર પડે તો તે માટે રસી કંપનીઓમાં સ્પર્ધા જામી છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આજે વપરાતી કોરોનાની રસી બિનઉપયોગી બની જવાની સંભાવના ઓછી છે પણ ઓમિક્રોન એ કોરોનાનો આખરી વેરિઅન્ટ નથી અને ભવિષ્યમાં કોરોનાની રસીને રિફોર્મ્યુલેટ કરવી પડે તો કંપનીઓ કેટલી ઝડપથી નવી રસી બનાવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે.


