અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર : કેનેડાની સરહદેથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરતી વખતે ડીંગુચા ગામના 4 લોકોના મોત થયા હતા.આ ઘટનાના આશરે 2 મહિના બાદ યુએસ અને કેનેડાની સિક્યુરિટી એજન્સીઓ અને કોન્સ્યુલેટ જનરલ સોમવારે ગાંધીનગર આવી પહોંચ્યા હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે,ફેડરલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (FBI)ના એક સભ્ય સહિતના પ્રતિનિધિઓ રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટની તપાસ કરી રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓને મળ્યા હતા.વિદેશી એજન્સીઓની સંડોવણી માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં સક્રિય ભાગ ભજવી રહી છે ત્યારે તપાસનો વ્યાપ વિસ્તૃત કરાશે તેવી અપેક્ષા છે.
ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક પરિવારના 4 સભ્યોએ 19 જાન્યુઆરીએ યુએસ-કેનેડની બોર્ડરથી 10 મીટરના અંતરે હાડ થીજવતી ઠંડીમાં દમ તોડી દીધો હતો. ત્યારબાદ,ગુજરાત પોલીસે ઉત્તર ગુજરાતમાં ચાલતાં વધુ એક ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને 8 સ્થાનિક એજન્ટોની ધરપકડ કરી હતી અને કેટલાક લોકો તપાસ હેઠળ છે.આ ઘટનાની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘યુએસ અને કેનેડાના અધિકારીઓનો આ કેસમાં વધુ કડીઓ એકત્ર કરવાનો તેમજ રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ઈમિગ્રેશનને વધુ સારી રીતે ડામી શકાય તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે’.
ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે,સ્થાનિક પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે,એરલાઈનના અમુક કર્મચારીઓ પણ સ્થાનિક એજન્ટોને માનવ તસ્કરીમાં મદદ કરી રહ્યા છે.આ કારણે વિદેશથી આવેલા ઈન્વેસ્ટિગેશન ઓફિસર્સ એરલાઈનના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવાના છે.નકલી ઓળખ ઊભી કરીને ગુજરાતમાંથી યુએસ અને કેનેડા જઈને વસતાં લોકોનો મુદ્દો પણ અધિકારીઓના ધ્યાનમાં છે.
વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, ‘યુએસ અને કેનેડાના અધિકારીઓ શહેરના એરપોર્ટ પર મલ્ટી-લેયર ચેકિંગ ઈચ્છે છે જેથી યુએસમાં ગેરકાયદેસર મુસાફરી અટકાવી શકાય.’ વિદેશથી આવેલા ઓફિસર્સે ગુજરાત પોલીસને આ રેકેટમાં સંડોવાયેલા એજન્ટો સામે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે.યુએસ કોન્સ્યુલેટ જનરલના એક અધિકારીએ એમ પણ કહ્યું હતું કે,ડીંગુચાના પરિવાર સાથે કેનેડા ગયેલા 6 લોકોને ટૂંક સમયમાં ભારત મોકલી દેવામાં આવશે.


