જિનેવા, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર : સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના અહેવાલ પ્રમાણે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ 10 લાખ લોકોએ યુક્રેનમાંથી પલાયન કર્યું છે.આ સદીમાં અગાઉ કદી આટલી તેજ ગતિએ પલાયન નથી થયું.
સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયોગ (યુએનએચસીઆર)ના આંકડાઓ પ્રમાણે પલાયન કરનારા લોકોની સંખ્યા યુક્રેનની વસ્તીના 2 ટકા કરતાં પણ વધારે છે.વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે વર્ષ 2020ના અંતમાં યુક્રેનની વસ્તી 4 કરોડ 40 લાખ હતી.
એજન્સીના અનુમાન પ્રમાણે યુક્રેનમાંથી આશરે 40 લાખ લોકો પલાયન કરી શકે છે અને આ સંખ્યા અનુમાન કરતાં પણ વધારે થઈ શકે છે.
યુએનએચસીઆરના પ્રવક્તા જોંગ-આહ ઘેદિની-વિલિયમ્સે ઈમેઈલમાં લખ્યું હતું કે,રાષ્ટ્રીય અધિકારીઓની ગણના પ્રમાણે ‘અમારા આંકડાઓ પ્રમાણે મધ્ય યુરોપમાં અમે અડધી રાતમાં 10 લાખની સંખ્યા પાર કરી લીધી.’
સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચાયુક્ત ફિલિપ્પો ગ્રાંડીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘અમે માત્ર 7 દિવસમાં યુક્રેનમાંથી પાડોશી દેશોમાં 10 લાખ લોકોનું પલાયન જોયું છે.’
યુક્રેન છોડીને જનારા આ લોકોમાં સમાજના મોટા ભાગના નબળા વર્ગના લોકોનો સમાવેશ થાય છે.તેઓ પલાયન માટે સ્વયં નિર્ણય લેવા સક્ષમ નથી અને તેમની યાત્રા સુરક્ષિત બનાવવા તેમને સહાયની જરૂર છે.
બુધવારે 200થી વધારે દિવ્યાંગ યુક્રેની હંગરીના શહેર જાહોની ખાતે પહોંચ્યા.તેઓ યુક્રેનની રાજધાની કીવમાં 2 આશ્રય ગૃહોમાં રહેતા હતા.
શરણાર્થીઓમાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે.તેમાં અનેક એવા લોકો સામેલ છે જે માનસિક કે શારીરિક રીતે અસમર્થ છે અને રશિયન હુમલાના કારણે તેમણે આશ્રય કેન્દ્રો છોડીને દેશની બહાર જવું પડ્યું છે.
કીવ ખાતે સ્વયાતોશિંકસી અનાથાલયના ડિરેક્ટર લારિસા લિયોનિદોવનાએ જણાવ્યું કે, ‘ત્યાં રહેવું સુરક્ષિત નહોતું. રોકેટ પડી રહ્યા હતા.તેઓ કીવ પર હુમલો કરી રહ્યા હતા. અમે બોમ્બમારા દરમિયાન અનેક કલાકોથી વધુ સમય ભૂમિગત સ્થળમાં વિતાવ્યો.’
પ્રાથમિક આંકડાઓ પ્રમાણે યુક્રેનમાંથી અડધાથી વધારે શરણાર્થીઓ એટલે આશરે 5,05,000 લોકો પોલેન્ડ ગયા છે. 1,16,300થી વધારે લોકોએ હંગરીમાં પ્રવેશ કર્યો છે અને 79,300થી વધુ લોકોએ મોલ્ડોવામાં પ્રવેશ કર્યો છે.તે સિવાય 71,000 લોકો સ્લોવાકિયા ગયા છે અને આશરે 69,600 લોકો અન્ય યુરોપીય દેશોમાં ગયા છે.