નવી દિલ્હી, તા. 15. : ફેબ્રુઆરી 2022 મંગળવાર
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુધ્ધ ફાટી નીકળે તે પ્રકારનો તનાવ સર્જાયો છે અને દુનિયા પર ત્રીજા વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ બંને દેશો વચ્ચેના તનાવની અસર ભારત પર પણ થઈ રહી છે.ભારતની ઈકોનોમીને તેનાથી નુકસાન થવાની શશક્યતા છે.ભારત અને યુક્રેન વચ્ચે 2.69 અબજ ડોલરનો વેપાર છે.જેમાં યુક્રેને ભારતને 1.97 અબજ ડોલરના સામાનની નિકાસ કરી હતી અને ભારતે યુક્રેનને 721 મિલિયન ડોલરનો સામાન 2020માં મોકલ્યો હતો.
ભારત યુક્રેનમાંથી ખાદ્ય તેલ તેમજ ન્યુક્લિયર રિએક્ટરની મશિનરી મંગાવે છે અને યુક્રેન ભારત પાસેથી દવાઓ તેમજ ઈલેક્ટ્રિકલ મશિનરી ખરીદે છે.
ભારતે 2020 માં યુક્રેન પાસેથી 1.45 અબજ ડોલરના ખાવાના તેલની ખરીદી કરી હતી.આ જ રીતે 210 મિલિયન ડોલરનુ ખાતર અને 103 મિલિયન ડોલરના ન્યુક્લિયર રિએક્ટરના પાર્ટસ મંગાવ્યા હતા.જો યુક્રેનથી થતા સપ્લાયમાં રુકાવટ આવે તો ન્યુક્લીયર એનર્જી પર ભારતનુ કામ ધીમુ થઈ શકે છે.
બીજી તરફ યુધ્ધ થાય તેવા સંજોગોમાં ભારતને આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે.રશિયા પાસેથી પણ ભારત ક્રુડ ઓઈલ મંગાવે છે.સાથે સાથે યુધ્ધ થાય તો ઘરઆંગણે મોઘવારી પણ વધશે.