નવી દિલ્હી, તા.૩ : યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ગુરુવારે ભારતીયોને બહાર લાવવાના પ્રયાસોને વધુ ઝડપી બનાવતાં સરકાર એરફોર્સના ચાર વિમાનોમાં ૭૯૮ નાગરિકોને સ્વદેશ લાવી છે અને આગામી ચાર દિવસમાં વધુ ૭,૪૦૦ ભારતીયોને પરત લવાશે.બીજીબાજુ રશિયાએ પણ તેની સરહદમાંથી ભારતીયોને સલામત બહાર કાઢવાનું વચન આપ્યું છે.વધુમાં યુક્રેન કટોકટી અંગે વિદેશ મંત્રાલય સાથેની બેઠક પછી વિપક્ષે ભારતીયોને લાવવાના અને રશિયા-યુક્રેન વિવાદમાં તટસ્થ રહેવાના કેન્દ્ર સરકારના વલણની પ્રશંસા કરી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,ઓપરેશન ગંગા હેઠળ ૬,૪૦૦ લોકોને સ્વદેશ લવાયા છે અને આગામી બે દિવસમાં ૭,૪૦૦થી વધુ ભારતીયોને સલામત પાછા લાવવામાં આવે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કર્યા પછી અત્યાર સુધીમાં અંદાજે ૧૮,૦૦૦થી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે.છેલ્લા ૨૪ કલાકમાં ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ ભારતીયોને પરત લાવવાના અભિયાનની ગતિ વધારી છે અને ૧૫ ફ્લાઈટ્સમાં ૩,૦૦૦થી વધુ ભારતીયો પાછા આવ્યા છે.
આગામી ૨૪ કલાક દરમિયાન ભારતીય એરફોર્સના ત્રણ સી-૧૭ ગ્લોબસ્ટર સહિત ૧૮ ફ્લાઈટ્સમાં ભારતીયોને પરત લવાશે.યુરોપમાંથી રોમાનિયાના બુચારેસ્ટ, હંગેરીના બુડાપેસ્ટ, પોલેન્ડના ઝેસઝોવ અને સ્લોવેકિયાના કોસમાંથી ફ્લાઈટ્સનું સંચાલન થાય છે.
બીજીબાજુ રશિયાએ ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને તેઓ તેમની બસોમાં સલામત સ્થળે બહાર કાઢશે.રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના પ્રમુખ કર્નલ જનરલ મિખાઈલ મિજિંત્સેવે કહ્યું કે,યુક્રેનના ખારકીવ અને કેટલાક અન્ય શહેરોમાં ફસાયેલા ભારતીયો અને વિદેશીઓને બહાર કાઢવા માટે ૧૩૦ બસો તૈયાર કરાઈ છે.વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે બુધવારે થયેલી વાતચીત પછી તેમણે આ નિવેદન આપ્યું હતું.મોદીએ પુતિન સાથે ભારતીયોને સલામત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી.
દરમિયાન યુક્રેનમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિપક્ષને માહિતગાર કરવા વિદેશ મંત્રાલયે ગુરુવારે સવારે એક બેઠક બોલાવી હતી.આ બેઠકમાં વિદેશ મંત્રાલયે વિપક્ષને ભારતીયોને યુક્રેનમાંથી બહાર લાવવાના અભિયાન તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વલણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.બેઠક પછી કોંગ્રેસના નેતા શશી થરૂરે મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે,વિદેશ નીતિમાં આ જ જોશ દેખાવો જોઈએ. અમે અનેક મુદ્દાઓ પર વાતચીત કરી.આ બેઠક ખૂબ જ સફળ રહી હતી.વિદેશ નીતિ મુદ્દે અમે સરકારની સાથે છીએ.

