– રશિયાની કીવ પર એરસ્ટ્રાઈક, ટીવી ટાવર ઉડાવ્યું
– રશિયા સામે લડવા પહેલા મિલિટ્રી બોન્ડ વેચી ૮૦૦ કરોડ યુક્રેનિયન રૂપિયા ભેગા કરાયા
યુક્રેન પર આક્રમણમાં પડોશી દેશ બેલારુસ રશિયાને સાથ આપી રહ્યું છે તેવા દોવા કરતાં યુક્રેનના સંરક્ષણ મંત્રી દાનિલોવે જણાવ્યું હતું કે યુક્રેન તકેદારીના ભાગરૂપે બેલારુસ પર મિસાઈલ હુમલો કરે તેવી શક્યતા છે.જોકે,આ અંગેનો નિર્ણય પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી લેશે.
રશિયા સામે લડવા માટે યુક્રેનના સૈન્યને ભંડોળ પૂરું પાડવા તેમજ નાણાકીય સ્થિરતા માટે યુક્રેનના નાણામંત્રાલયે મિલિટ્રી બોન્ડ્સ બહાર પાડયા છે.આ બોન્ડના વેચાણમાંથી મંત્રાલયે ૮૦૦ કરોડ યુક્રેનિયન રૂપિયા એકત્ર કર્યા છે,જેનો ઉપયોગ વિશેષરૂપે દેશની આર્મ્ડ ફોર્સીસ માટે કરવામાં આવશે.
રશિયા અને યુક્રેનના યુદ્ધમાં હવે ચીને મધ્યસ્થીની ઓફર કરી છે.યુક્રેનના વિદેશ મંત્રાલયને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે, ચીને યુક્રેનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનું મજબૂત સમર્થન કરતાં મધ્યસ્થી બનવા ઓફર કરી છે.
યુક્રેનમાં રશિયાના હુમલા વધુ ઘાતક બની રહ્યા છે ત્યારે ચીને પણ તેના નાગરિકોને બહાર કાઢવા માટે અભિયાન શરૂ કર્યું છે.યુક્રેન પર આક્રમણ બદલ રશિયાની ટીકા નહીં કરવાના ચીનના વલણથી ચીનના નાગરિકોમાં જ ભારે આક્રોશ ફેલાયો છે.ચીનના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ કીવ અને દક્ષિણના પોર્ટ સિટી ઓડેસામાંથી ભાગીને સલામત સ્થળે પહોંચ્યા છે.હવે ચીને તેના નાગરિકોને બહાર કાઢવા અભિયાન શરૂ કર્યું છે.
રશિયાએ કીવ પર આક્રમણ વધુ ઘાતક બનાવતા ટીવી ટાવર પર હુમલો કર્યો હતો. પરિણામે કેટલીક મિનિટો માટે યુક્રેનની ટીવી ચેનલોનું પ્રસારણ બંધ થઈ ગયું હતું.બેકઅપ બ્રોડકાસ્ટથી નજીકના સમયમાં કેટલીક ચેનલોનું પ્રસારણ ફરી શરૂ થઈ જશે.
યુરોપીયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સે રશિયાને યુક્રેનમાં નાગરિક વિસ્તારો પર હુમલા બંધ કરવા આદેશ આપ્યો.રશિયન સૈન્ય માનવાધિકારોનો ભંગ કરી રહ્યું છે.રશિયાએ અનેક નાગરિકોને મારી નાંખ્યા છે.તેના આ કૃત્યની ટીકા થવી જોઈએ તેમ કોર્ટે જણાવ્યું હતું.
સસ્પ્લિન મીડિયા અહેવાલો મુજબ બેલારુસનું સૈન્ય યુક્રેનમાં ઘૂસ્યું છે.યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરવા માટે બેલારુસના સૈન્યે યુક્રેનના ચેર્નિહિવ ઓબ્લ્સાટમાં પ્રવેશ કર્યો છે.યુક્રેનની સંસદની સત્તાવાર ચેનલમાં પણ આ જ પ્રકારના સમાચાર પ્રસારિત કરાયા હતા.


