નવી દિલ્હી, તા. 12 માર્ચ 2022, શનિવાર : રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને 16 દિવસ થઈ ગયા છે.આ યુદ્ધમાં હજારો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે.લગભગ 20 લાખથી વધારે લોકો દેશ છોડવા પર મજબૂર થયા છે.યુક્રેન દાવો કરી રહ્યું છે કે,રશિયા રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કરી રહ્યું છે.અહીં સુધી કે તેમણે સ્કૂલ અને મકાનોને પણ નહીં છોડ્યા.છેલ્લા દિવસોમાં મારિયુપોલની એક તસવીર સામે આવી હતી જેમાં હોસ્પિટલ પર બોમ્બ ધડાકાને કારણે એક બ્લોગર સગર્ભા મહિલા હોસ્પિટલમાંથી બહાર જતી નજર આવી રહી હતી.સોશિયલ મીડિયા પર આ તસવીર સામે આવ્યા બાદ યુકે સ્થિત રશિયન એમ્બેસીએ તેને રશિયાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.રશિયન એમ્બેસીના નિવેદન બાદ મહિલાને ટ્રોલ કરવામાં આવી રહી હતી.આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે,મહિલા બ્લોગરે બાળકીને જન્મ આપ્યો છે.
આ વાતની પૃષ્ટિ ધ સેંટર ફોર યુરોપિયન પોલિસી એનાલિસિસના એક સંશોધક ઓલ્ગા ટોકરિયુકે કરી છે.મહિલા બ્લોગરને ટ્રોલ કરવામાં આવી રહી હતી તેવા સમયે ઓલ્ગા ટોકરિયુક તેમની મદદે આગળ આવ્યા હતા.સમાચાર મળતા ઓલ્ગા ટોકરિયુકે ટ્વીટ કર્યું કે,મને મારિયાના એક સબંધીથી અપડેટ મળી કે,ગઈ કાલે રાત્રે 10 વાગ્યે તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે.તે સ્વસ્થ છે પરંતુ મારિયુપોલમાં ઠંડી ખૂબ જ છે અને બોમ્બમારો પણ બંધ નથી થઈ રહ્યો.
મારિયુપોલની એક હોસ્પિટલ પર રશિયન હવાઈ હુમલા બાદ બુધવારે એક સગર્ભા માતા ધાબળામાં લપેટાયલી નજર આવી હતી.જ્યારે તે મહિલા તેનો સામાન લઈને હોસ્પિટલની સીડી પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે તે લોહીથી લથપથ હતી.એવું જણાવવામાં આવી રહ્યું છે કે,બુધવારે મેરીયુપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર રશિયન હવાઈ હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા.યુક્રેન અને પશ્ચિમી દેશોના અધિકારીઓએ તેને યુદ્ધ અપરાધ ગણાવ્યો હતો.યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે,અમે પ્રાર્થના કરીશું કે,અમે લોકોને મારિયુપોલમાંથી બહાર કાઢી શકીએ.


