– ઘઉંનો વર્તમાન વૈશ્વિક ભાવ પ્રતિ બુશલ 11.34 ડોલર
– એલ્યુમિનિયમ અને નિકલના ઉત્પાદનમાં રશિયાનો છથી સાત ટકા હિસ્સો અને કોલસામાં ત્રીજા નંબરનું નિકાસકાર
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જારી છે.આના લીધે મોંઘવારી હવે માઝા મૂકવા માંડી છે.યુદ્ધના લીધે શિકાગોમાં અનાજની કિંમતમાં ૪૦ ટકા ઉછાળો આવ્યો છે.યુક્રેન સંકટે રશિયા દ્વારા વૈશ્વિક સ્તરે પૂરા પડાતા અનાજના પુરવઠાને સંકટમાં મૂક્યો છે.આના લીધે ઘઉંનો ભાવ૨૦૦૮ પછીની ટોચની સપાટીએ પહોંચી ગયો છે.પેરિસમાં પણ ઘઉંનો લોટ અત્યંત મોંઘા ભાવે વેચાઈ રહ્યો છે.યુદ્ધના લીધે યુક્રેનના મહત્ત્વના બંદરો બંધ થતાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ લિંક પડી ભાંગી છે.
અમેરિકાના કૃષિવિભાગના આંકડા મુજબ 2021માં વિશ્વમાં ઘઉંની કુલ નિકાસમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો 29 ટકા રહ્યો હોવાનો અંદાજ છે.હાલમાં ઘઉંનો વૈશ્વિક ભાવ પ્રતિ બુશલ 11.34 ડોલર ચાલી રહ્યો છે. 2008 પછીનો આ સૌથી ઊંચો ભાવ છે.એક બુશલ બરોબર 25.4 કિલો થાય છે.
યુક્રેનમાં બંગ લિમિટેડ અને આર્ચર ડેનિયલ્સ મિડલેન્ડ કંપનીએ તાજેતરમાં જ તેના એકમ બંધ કર્યા છે.બ્લેક સીમાંથી પણ કોઈપણ પ્રકારની નિકાસ થઈ રહી નથી.યુક્રેનમાં વસંત પછી મકાઈની વાવણી થાય છ,પણ યુદ્ધના લીધે કામ રોકાયેલું છે.વિશ્વમાં મકાઈની નિકાસ કરતાં ટોચના દસ દેશોમાં યુક્રેન સામેલ છે.
આ ઉપરાંત વિશ્વસ્તરે ક્રૂડ ઓઇલ 120 ડોલરને સ્પર્શી ચૂક્યુ છે.યુદ્ધ જો પૂરુ ન થાય તો ક્રૂડના ભાવમાં હજી પણ વધારો થઈ શકે છે.આના લીધે ગેસના ભાવ પણ પ્રતિ એમએમબીટીયુ દીઠ પાંચ ડોલરે પહોંચી ગયા છે અને તે હજી પણ વધી શકે છે.યુરોપમાં સામાન્ય લોકોના એનર્જી બિલ બમણા થઈ ગયા છે.એલ્યુમિનિયમ અને નિકલ પણ મોંઘા થઈ ગયા છે.રશિયા એકલું જ વિશ્વમાં નિકલના કુલ સ્ટોકમાં સાત ટકા હિસ્સો ધરાવે છે.લંડન મેટલ એક્સ્ચેન્જ પર ગુરુવારે એલ્યુમિનિયમની કિંમત પ્રતિ ટન 3,691.50 ડોલરના ટોચના સ્તરે પહોંચી ગઈ હતી.રશિયા વિશ્વના એલ્યુમિનિયમના કુલ ઉત્પાદનમાં લગભગ છ ટકા હિસ્સો ધરાવે છે.
ઓસ્ટ્રેલિયામાં ન્યુકેસલ કોલ ફ્યુચર્સ પર આ સપ્તાહે કોલસાનો વૈશ્વિક ભાવ પ્રતિ ટન 440 ડોલર થયો છે.રશિયા વિશ્વમાં ત્રીજા નંબરનું કોલસા નિકાસકાર છે.