– નવી દિલ્હી,તા. 22. જાન્યુઆરી શનિવાર : યુપીની ચૂંટણીમાં પૂરજોશમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે,અમે ભાજપને છોડીને કોઈ પણ પાર્ટી સાથે ચૂંટણી બાદ જોડાણ કરવા માટે તૈયાર છે.
ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યુ હતુ કે,ભાજપ માટે અમારા દરવાજા બંધ છે પણ બીજી પાર્ટીઓ માટે ખુલ્લા છે.સમાજવાદી પાર્ટી અને ભાજપ એક જ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે.કારણકે તેનાથી તેમને ફાયદો થઈ રહયો છે.જયારે અમારુ કહેવુ છે કે,લોકોને લાભ થવો જોઈએ અને લોકોના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓને ઉઠાવવાની જરુર છે.સાંપ્રદાયિકતા અને જાતિવાદના આધારે આગળ વધતી પાર્ટીઓનો એક માત્ર એજન્ડા સત્તા પર આવવાનો હોય છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે ઝાઝો તફાવત નથી.કોંગ્રેસની હરિફ પાર્ટી કોણ છે તેના સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે,રાજ્યમાં બેરોજગારી,મોંઘવારી,રાજ્યની સ્થિતિ અને ખેડૂતોની સ્થિતિ જેવા મુદ્દો અમારા મુખ્ય હરિફ છે અને અમે તેમની સામે લડી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે,કોંગ્રેસ કેટલી બેઠકો જીતશે તેવી ભવિષ્યવાણી અત્યારથી કરવી યોગ્ય નથી.અમે લડવાનુ ચાલુ રાખીશું.અમારી લડાઈ ચૂંટણી બાદ પૂરી થવાની નથી.યુપીમાં અમે લોકોના મુદ્દા ઉઠાવનારી પ્રમુખ પાર્ટી બનીશું.છેલ્લા બે વર્ષમાં અમે સતત મહત્વના મુદ્દા વિરોધ પક્ષ તરીકે ઉઠાવ્યા છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે,યુવતી છું અને લડી શકુ છું..નારો અન્ય રાજયોમાં પણ ઉઠાવવામાં આવશે.જો દેશમાં 50 ટકા મહિલાઓ હોય તો તેમને રાજનીતિમાં પણ ભાગીદારી મળી જોઈએ.