- સ્વામી પ્રસાદ મૌર્ય બાદ યોગી સરકારના વધુ એક મંત્રી અને ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે
લખનઉ : ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અને ભાજપને બીજો મોટો આંચકો લાગ્યો છે.સ્વામી પ્રસાદ મૌર્ય બાદ યોગી સરકારના વધુ એક મંત્રી અને ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે.છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલથી 6 નેતાઓએ પાર્ટી છોડી દીધી છે.દારા સિંહ ચૌહાણ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.બે દિવસમાં બે મંત્રીઓ અને ચાર ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે.
રાજીનામાના પત્રમાં ચૌહાણે લખ્યું છે કે,મેં પૂરા સમર્પણ સાથે કામ કર્યું છે,પરંતુ સરકારના પછાત,વંચિત વર્ગો,દલિતો,ખેડૂતો અને બેરોજગાર યુવાનો પ્રત્યેના વલણ અને પછાત અને દલિત લોકો માટે અનામતના ઉપેક્ષિત વલણથી દુઃખી થઇને હું રાજીનામું આપી રહ્યો છું.
સ્વામી પ્રસાદ મૌર્યની જેમ દારા સિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાતા પહેલા બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેતા હતા.2015માં તેઓ બસપા છોડીને ભાજપમાં જોડાયા હતા.ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા ચૌહાણને ઓબીસી મોરચાના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા.મધુબન વિધાનસભા બેઠક પરથી જીત્યા બાદ તેમને યોગી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,આ પહેલા ગઈકાલે યોગી આદિત્યનાથ સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપ છોડી દીધું હતું.મૌર્યને ઉત્તરપ્રદેશમાં OBCનો મોટો ચહેરો માનવામાં આવે છે.તેમની સાથે ભાજપના ચાર અન્ય ધારાસભ્યો બ્રૃજેશ પ્રજાપતિ,રોશન લાલ,ભગવતી સાગર અને વિનય શાક્યએ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો.