10 માર્ચ, 2022,ગુરુવાર : ઉત્તરપ્રદેશમાં 403 બેઠકોની મત ગણતરી શરુ થઇ જેમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ ફરી સતા સંભાળી રહી છે.હજુ સત્તાવાર પરીણામો જાહેર થયા નથી પરંતુ ભાજપ 263 બેઠકો પર આગળ છે જયારે તેની નજીકની હરિફ સમાજવાદી પાર્ટી 134 બેઠકો પર બહુમતી ધરાવે છે.પહેલા અને બીજા ક્રમના હરિફ વચ્ચે બેઠકોનો લાંબો તફાવત જોતા હવે ખાસ ફેરફાર થાય તેમ જણાતું નથી.ઉત્તરપ્રદેશમાં લોકો માટે યોગી ઉપયોગી બન્યા છે જયારે અખિલેશ યાદવની સાઇકલને ફરી પંકચર પડયું છે.
અખિલેશના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીનું સરકાર રચવાનું સપનું રોળાઇ ગયું છે તેમ છતાં અખિલેશ યાદવની પાર્ટી માટે જે સારા સમાચાર છે તે ભાજપ માટે પણ નથી. ઉત્તરપ્રદેશ વિધાનસભા 2022ના ઇલેકશનમાં સમાજવાદી પાર્ટીને બાદ કરતા તમામ રાજકિય પક્ષોની બેઠકોમાં ઘટાડો થયો છે.ભાજપ ભલે સત્તા પર આવી રહયું હોય પરંતુ 2017માં તેને 325 બેઠકો મળી હતી તેની સરખામણીમાં 60 થી 65 જેટલી બેઠકો ઘટી રહી છે.કોંગ્રેસે 2017માં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યુ હતું જેમાં કોંગ્રેસને 7 બેઠકો મળી હતી જે ઘટીને 2 થી 3 જેટલી છે.
માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીને 19 બેઠકો મળી હતી જે ઘટીને માંડ 1 અથવા 2 સુધી સિમિત જણાય છે.સમાજવાદી જ એક માત્ર એવી પાર્ટી છે જેને બીજેપીને બરાબરની ટકકર આપીને પોતાની બેઠકોમાં 3 ગણો વધારો કર્યો છે.સમાજવાદી ગઢબંધનને 135 બેઠકો મળી રહી છે જેમાં ખુદની બેઠકો 125 આસપાસ છે. સમાજવાદી પાર્ટીના વોટ શેરમાં પણ 10 ટકા જેટલો વધારો થયો છે જે ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં 22.45 જેટલો હતો.


