24 વિદેશીઓમાં 14 બાંગ્લાદેશી અને 10 કઝાકિસ્તાનના નાગરિકો
એજન્સી, લખનઉ
કોરોના મહામારી સંકટ દરમિયાન ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની એક મસ્જિદમાં સંતાયેલા કેટલાક વિદેશી નાગરિકોને પોલીસે શોધી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ તેઓ 13 માર્ચથી મસ્જિદમાં સંતાઇને રહેતા હતા. પોલીસે દરાડો પાડી તેમને શોધી લીધા હતા અને તમામ દેશી-વિદેશી નાગરિકોને આઇસોલેશનમાં મોકલતા મસ્જિદને બંધ કરી દેવામાં આવી છે.
લખનઉ મજ્સિદમાંથી પકડાયેલા વિદેશી નાગરિકોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. સીએમઓ મુજબ લખનઉની અમીનાબાદ, કાકોરી અને આઇઆઇએમ રોડ પર સ્થિત મસ્જિદોમાંથી કુલ 24 વિદેશી નાગરિકો મળી આવ્યા, જેમાંથી 14 બાંગ્લાદેશી અને 10 કઝાકિસ્તાનના નાગરિકો હતા. આ પૈકી ત્રણ લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમના સેમ્પલ્સ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
માહિતી મુજબ દિલ્હીની નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મરકઝમાં યુપીના 160 લોકોએ ભાગ લીધો હતો, પોલીસ આ તમામને શોધી રહી છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે તમામ લોકો લખનઉ પરત નથી ફર્યા, પરંતુ દિલ્હીમાં જ હાજર છે.
દુનિયાના અન્ય દેશો સહિત ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. સોમવાર સાંજ સુધીના આંકડા મુજબ દેશમાં 1215 પોઝિટીવ કેસો બની ચૂક્યા છે જ્યારે 32 લોકોના મોત થઇ ચૂક્યા છે. વિશ્વસ્તરે વાત કરીએ તો લગભગ 7.80 લાખથી વધારે લોકોને કોરોના ચેપ લાગી ચૂક્યો છે અને 38 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ આંકડાઓ પ્રતિ દિવસ ભયજનક રીતે વધી રહ્યા છે.