– ફ્રાંસ પ્રતિબંધ મૂકનાર સૌપ્રથમ દેશ બન્યો હતો ફ્રાંસમાં મહિલાનો ચહેરો જ દેખાય તેવો બુર્કિની સ્વીમ સ્યુટ લોકપ્રિય છે
પેરિસ : કર્ણાટકમાં હાઈકોર્ટે શાળામાં વિદ્યાર્થિનીઓ હિજાબ નહીં પણ ફરજીયાત યુનિફોર્મ પહેરે તેવો ચૂકાદો આપ્યો છે ત્યારે વિશ્વના ઘણા દેશોમાં તો જાહેર સ્થળોએ બુરખા અને હિજાબ પર પ્રતિબંધ છે.
ફ્રાંસ યુરોપનો એવો પ્રથમ દેશ બન્યો હતો કે જેણે છેક 2011માં હિજાબ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.આ નિડર નિર્ણય તત્કાલિન પ્રમુખ સારકોજીએ લીધો હતો.તેમનું માનવું હતું કે બુરખા કે હિજાબ મહિલાઓ પર અત્યાચાર સમાન છે તેના નિર્ણયનો ફ્રાંસ અને વિશ્વના ઈસ્લામ દેશોમાંથી ભારે વિરોધ પણ નોંધાયો હતો છતાં તેઓ મક્કમ રહ્યા હતા.
ફ્રાંસમાં મુસ્લિમ મહિલાઓ સ્વિમિંગ કરતી વખતે આખું શરીર ઢંકાય તે માટે ખાસ ડિઝાઈનનો બુર્કિની તરીકે ઓળખાતા સ્વીમ સ્યુટ પહેરે છે. 2016માં આ ડિઝાઈનર સ્વીમ સ્યુટની શરૂઆત થઈ ત્યારે કેટલીક મહિલાઓ ઢાંકેલા ચહેરા સાથે મીડિયાને મંતવ્યો વ્યક્ત કર્યાહતા કે તેઓ અંગપ્રદર્શન ન થાય તેવી તકેદારી સાથે બીકીની પહેરવા કે વસ્ત્રો પહેરવા ઈચ્છે છે
પણ તેઓના પુરૂષ બુરખા કે હિજાબ ન પહેરીએ તો અમારી જોડે સંબંધ તોડી નાંખવાની એ અત્યાચારની ધમકી આપે છે.જો કે આવા બુર્કિની સ્વીમ સ્યુટ પર રાષ્ટ્રીય પ્રતિબંધ લાગુ ન થઈ શકે તેમ ફ્રાંસની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા હાલ બુર્કિની સ્વીમ સ્યુટ લોકપ્રિય છે.
ફ્રાંસનું જોઈને પાડોશી દેશ બેલ્જીયમે પણ 2011માં જ બુરખા અને હિજાબ પર પ્રતિબંધ જાહેર કરી દીધો. 2012માં તેને બેલ્જીયમની સર્વોચ્ચ કોર્ટમાં પડકારવામાં પણ આવ્યો પણ કોર્ટ દ્વારા પ્રતિબંધને માન્ય રાખવામાં આવ્યો.
ઓસ્ટ્રીયામાં શાળાઓ અને જાહેર સ્થળો,હોપિટલમાં ચહેરા ઢાંકતા કોઈપણ વેશ પરિધાન પર 2017થી મનાઈ ફરમાવવામાં આવી છે.જુન 2018થી નોર્વેની શિક્ષણ સંસ્થાઓમાં બુરખા અને હિજાબ પર કાનુની રોક ફરમાવવામાં આવી છે.ઈટાલીની સરકારે પ્રત્યેક રાજ્ય અને શહેરના સત્તાધીશો પર છોડયું છે કે તેઓ ઈચ્છે તે નિર્ણય અમલમાં મૂકી શકે છે.
નેધરલેન્ડની વાત કરીએ તો 2016થી શાળા,હોસ્પિટલો અને જાહેર સ્થળોએ ચહેરો ન ઢાંકવાનો સરકારી નિર્ણય જાહેર થયો હતો તે પછી ત્યારે વિરોધ થતા સંસદમાં બીલ પસાર કરવાની માંગ ઊઠી અને સંસદમાં પણ બુરખા,હિજાબ પ્રથા વિરૂદ્ધ બીલ પાસ થઈ ગયું હતું.આ મહિનેથી જ સ્વીત્ઝર્લેન્ડમાં બુરખા,હિજાબ પર પ્રતિબંધ લાગુ પડી ગયો છે.
બલ્ગેરિયામાં 2016થી અને ડેન્માર્કમાં 2018થી આવો પ્રતિબંધ અમલમાં છે.શ્રીલંકાએ સલામતીના કારણોસર એપ્રિલ 2021થી બુરખા પર પ્રતિબંધ મૂક્યો છે.કેનેડામાં પણ જાહેર સ્થળોે પ્રતિબંધ છે.બ્રિટન અને અમેરિકામાં જો કે સ્વતંત્રતા અપાઈ છે.જર્મનીમાં સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ છે.